Republic Day - 2019

24 July 2018

Barn Swallow (શિયાળું તારોડીયું )

Barn Swallow (શિયાળું તારોડીયું )

  તાર ઉપર પાંચ, પચીસ, પચાસ કે સો બસો વાદળી રંગના અને કદે ચકલી જેવડા પણ નાજુક પંખીઓને હારબંધ બેઠેલા જુઓ તો સમજી લેવું કે તે છે શિયાળું તારોડિયા. પૂંછડી સહિત ઉપરનું આખું શરીર ચમકતા ઘેરા વાદળી રંગનું. કપાળ, દાઢી અને ગળું કથ્થાઈ. છાતી ઘેરી વાદળી.પેટાળ સફેદ. પાંખો લાંબી અને સાંકડી. પૂંછડી ઊંડી ફાટવાળી. નર માંદા સરખાં. અવાજ આનંદપૂર્ણ ઝીણો, ચી ..ચી. ચી.
શિયાળું તારોડીયું આપણે ત્યાં બલુચિસ્તાન, કાશ્મીર, હિમાલય તથા પશ્ચિમ એશિયા તરફથી આવે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરથી તેમની સંખ્યા વધવા લાગે. વસંત ઋતુ આવતાં પોતાના વતન તરફ જતાં રહે. સમુહમાં રહેનાર પંખી. હવામાં ઉડતી નાની મોટી જીવાત એ તેનો ખોરાક. ઉડવાની છટા લાલિત્યપૂર્ણ. થોડીવાર ઝડપભેર પાંખો વીંઝે અને પછી ખુલ્લી લાંબી પાંખો ઉપર હવામાં આનાયાસ તરતાં જાય. આવી રીતે ઉડતાં નીચે જીવડું ભલે તો ચપળતાથી હવામાં ડૂબકી મરી પકડી લે. ઊડવામાં એવા કુશળ કે ઝડપભેર ઉડ્યે જતાં હોય છતાં અચાનક લોંકી ખાઈને આસાનીથી દિશા પલટો કરી શકે. નાનાં-મોટા જૂથમાં ઘાસના મેદાનો કે જળાશયો ઉપર ઉડતાં ઉડતાં હવામાંથી જીવડાં પકડ્યા કરે. નદી તળાવની સપાટીથી સહેજ જ ઊંચે સામા પવને ધીમે ધીમે ઊડવાનાં શોખીન. એવી રીતે ઉડતાં ઉડતાં પાણીની સપાટી ઉપરના જીવડાને ચપળતાથી પકડીને ખાઈ જાય. માણસોની અને વાહનોની અવર જવર વચ્ચે પણ સ્વસ્થતાથી હવામાંથી જીવડાં પકડ્યા કરે. સ્વદેશ પાછાં જતાં અગાઉ સેંકડોની સંખ્યામાં ભેગાં થાય અને પછી સાથે પ્રયાણ કરે.   
(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૧માંથી સાભાર)