ચમચો કાંકણસારનો નજીકનો
કુટુંબી, પણ દેખાવે કાંકણસારને બદલે બગલા જેવો લાગે. આ પંખીની આગવી વિશેષતા તેની
ચાંચ છેડેથી અણીદાર હોવાને બદલે ગોળ ચમચા જેવી છે. બીજાં કોઈ પંખીને ટેવી ચાંચ
નથી. તેનું નામ ચમચો અમસ્તું નથી પડ્યું.
શરીરનો રંગ સફેદ. ચાંચ લાંબી અને કાળી પણ
છેડેથી પીળી. આંખ અને ચાંચ વચ્ચેની ચામડી પીળી તથા પીંછાં વિનાની. દાઢીની ચામડી
રતુંબડી પીળી. ચોમાસા દરમ્યાન છાતીએ પીળો રંગ આવે. માથે અવ્યવસ્થિત કલગી જેવા સફેદ
પીંછાં. પગ લાંબા અને કાળા. નર-માદા સરખા.
કાંકણસારની
માફક ચમચો પણ ઉડતી વખતે ડોક આગળ અને પગ પાછળ લંબાવેલા રાખે છે. નાનાં મોટાં જળાશયો
અને નદીયોનું પંખી. બગલાની સાથે તે પણ જોવા મળે. ખોરાક મેળવવાની તેની વિશિષ્ટ રીત
જોવા જેવી. કાદવિયા પાણીમાં અડધી ચાંચ ડૂબેલી રાખીને ડાબે-જમણે અર્ધ વર્તુળ
ગોળાઈમાં ફેરવ્યા કરે અને નાની માછલી, દેડકાં, જીવડાં વગેરે પકડીને ખાય. છુટક એક
કે બે પણ હોય અને વધારે સંખ્યામાં પણ મળે.
(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨માંથી સાભાર)