Indian Reef Heron: દરિયાઈ બગલો
આ બગલો બહુરૂપી જેવો છે. અમુકનું આખું શરીર ઘેરા રાખોડી રંગનું, પણ દાઢી અને ઉપલું ગળું સફેદ. અમુક પુરેપુરા સફેદ. જયારે અમુકનો રંગ એ બંનેની વચ્ચેનો એટલે સાવ આછો રાખોડી. નાના ધોળા બગલાની જેમ આને પણ માથે, છાતીએ અને પીઠે ચોમાસામાં વધારાના પીંછાં આવે. તેના પણ પગ કાળા અને આંગળીઓ પીળી. સફેદ દરિયાઈ બગલાને નાનાં ધોળા બગલાથી જુદો ઓળખવાનું અશક્ય પણ એક વાત આ બાબતમાં થોડી મદદરૂપ થાય. દરિયાઈ બગલા મોટા ભાગે દરિયાકાંઠે કે તેની નજીકના પ્રદેશનાં જળાશયોમાં જોવા મળે. દરિયાથી બહુ દૂર ઓછાં દેખાય. વળી તે નાનાં ધોળા બગલાની જેમ સમુહમાં નથી હોતા. નર-માદા સરખાં.
-"પાણીના સંગાથી"માંથી સાભાર.