Republic Day - 2019

09 August 2018

Cormorants


Cormorants : કાજિયા પક્ષી / જળ કાગડો   


મોટું તળાવ, પચાસ-સાઠ જેટલાં કાળાં પંખીઓનું ટોળું તેમાં ઝડપભેર તરતું તરતું કિનારા તરફ જાય છે. તરતાં તરતાં વારંવાર ડૂબકીઓ મારીને માછલી પકડે છે. ટોળાના પાછલા ભાગમાં રહેલા પંખીઓને થાય કે આગળવાળાને વધારે માછલી મળે છે અને પોતાને ઓછી. આથી થોડી થોડી વારે પાછળનાં પંખીઓ ઉડી ઉડીને આગળના ભાગમાં આવે અને ડૂબકીઓ મારતાં, તરતાં આગળ જાય. આમ આખું ટોળું કિનારાના છીછરા પાણી તરફ માછલીઓને ધકેલતું આગળ વધે. તેમની આવી શિકાર પ્રવૃત્તિ જોવા જેવી હોય છે. આ પંખીઓ એટલે કાજિયા. તળાવડી કે નાનાં તળાવની મુલાકાતે એકલ દોકલ કે બે-પાંચ પણ આવી ચડે.

જળાશયોના કિનારે, પાળ ઉપર, ઝાડ ઉપર કે કિનારાના પથરાઓ ઉપર ટોળામાં ટટ્ટાર બેઠેલાં કાળા પંખીઓ જુઓ એટલે સમજવું કે તે છે કાજિયા. પાંખો ખુલ્લી રાખીને બેઠેલાં પણ ઘણીવાર દેખાય.
આપણે ત્યાં ત્રણ જાતના કાજિયા દેખાય છે. ત્રણેય દેખાવે લગભગ સરખા, પણ કદમાં સારો એવો તફાવત. ત્રણમાંથી જે નાનો તેનું નામ નાનો કાજીયો, વચલાનું નામ વચેટ કાજીયો અને મોટાનું નામ મોટો કાજીયો. ત્રણેયની પૂંછડી ઠીક ઠીક લાંબી.ત્રણેયની ચાંચ લાંબી, છેડેથી વાંકી, શિંગડીયા રંગની અને આંગળીઓ ચામડીથી જોડાયેલી.


કાજિયા તરતા હોય ત્યારે ડોક અને પીઠનો થોડો ભાગ જ પાણી બહાર દેખાય. બાકીનું શરીર પાણીમાં રહે. તરવામાં અને ડૂબકી મારવામાં ત્રણેય કાજિયા કુશળ. તરતાં હોય ત્યારે ચાંચ ત્રાંસી ઉંચી રાખે. પગની આંગળીઓ ચામડીથી જોડાયેલી. ડૂબકી મારતી વખતે આગલું શરીર સહેજ ઊંચું કરીને પછી ડૂબકી મારે. પાણીની અંદર તરવામાં પાંખનો ઉપયોગ પણ કરે. પાણીમાંથી ઉડવું હોય ત્યારે શરૂમાં પાંખ ફફડાવતા સપાટી ઉપર થોડું દોડ્યા બાદ હવામાં ચડે. ઉડાન ઝડપી. ડોક આગળ લંબાવેલી રાખીને ઉડે. સમુહમાં ઉડતાં હોય ત્યારે એક લાંબી હરોળમાં કે અંગ્રેજી વીઆકારે ઉડે.

ડુંબકીની માફક કાજીયાઓને તેલગ્રંથી નથી એટલે પાણીમાં તરવાથી કાજીયાઓના પીંછાં ભીનાં થાય. તેને સુકવવા માટે પાંખો પહોળી કરીને ટટ્ટાર બેસે.

ત્રણેયના અપુખ્ત બચ્ચાં ઉપરના ભાગે બદામી અને નીચે ધોળાશ પડતાં.
કાજિયા માળા બાંધવામાં સમુહચારી. ઢોંક, કાંકણસાર, બગલા વગેરેની સાથે વૃક્ષોમાં સાંઠીકડા ગોઠવીને માળા કરે.
માછલાં તેમનો ખોરાક.

(પ્રકૃતિ પરિચય શ્રેણી ભાગ.૨ “પાણીના સંગાથી” માંથી સાભાર)