Ruddy Turnstone
: કાચબરંગી
શિયાળામાં આપણા જળાશયોમાં
કિનારે ફેલાઈ જતાં મધ્યમ કદનાં અને નાનાં નાનાં પંખીઓને ઓળખવા સહેલા નથી. પણ કાચબરંગી તેમાં થોડા અપવાદરૂપ ખરું. શિયાળા અને
ઉનાળાના તેના સ્વરૂપમાં સારો એવો ફેર. શિયાળામાં દાઢી સફેદ. બાકીનું ગળું, ડોક,
પીઠ અને છાતી ધુમાડિયા બદામી રંગનાં. પેટાળ સફેદ. ચાંચ કાળી. પગ રતુંબડા. નર-માદા
સરખાં.
વસંત ઋતુમાં વતન જવાના
સમયે તેનો રંગ બદલાવા માંડે. માથું સફેદ અને તેમાં કાળી ઝીણી રેખાઓ. કપાળ પાસેથી
નીકળતો કાળો પટ્ટો આંખ પાસે થઈને કાળી છાતીને મળી જાય. છાતી પાસેના કાળા રંગને તે
જ્યાં મળે ત્યાંથી બીજો કાળો પટ્ટો કાન પાસેથી થોડેક આગળ જાય. ઉપરનું શરીર ઘેરા
ઈંટીયા લાલ રંગનું થાય. તેમાં કાળા મોટા
પટ્ટા. ચોમાસું ઉતરતાં અહીં આવે ત્યારે શરૂમાં ઘણા પંખીઓમાં આ રંગો અધકચરા રહી ગયા
હોય છે. તેના જેવડા પાણીકાંઠાના બીજાં પંખીઓ કરતાં તે દેખાવે આકર્ષક અને તેથી
ઓળખવી સહેલી.
દરિયાકિનારે દેખાય.
પાંચ-સાત પંખી નજીક નજીકમાં ચારો ચરતાં ઘણીવાર જોવા મળે. કાદવ કરતાં રેતી અને
કાંકરાવાળો કિનારો પસંદ કરે.તેમાં પડેલાં કાંકરા, શંખલા, છીપલાં નીચે ચાંચ નાખી
ખોરાક શોધે. કિનારાનાં બીજાં પંખીઓ સાથે બહુ ભળે નહિ.
પશ્ચિમમાં
નોર્વે-સ્વીડનથી શરૂ કરી સાઈબીરીયાના છેક
પૂર્વ કિનારા સુધીનો લાંબો પ્રદેશ તેનું વતન. આપણે ત્યાં શિયાળું મહેમાન.
ખોરાક દરિયા કાંઠાની
જીવાત.
- "પાણીના સંગાથી"માંથી સાભાર.