Republic Day - 2019

31 March 2020

ટપૂસિયું


Indian silverbill or white-throated munia : ટપૂસિયું

વ્યાપક હોવા છતાં નાના કદને લીધે અને ઝાંખા રંગોને લીધે ટપૂસિયું ઝટ નજરે ચડતું નથી. દેખાવે સાદું. કંઠમાં મીઠાશ નહીં.ચીપ..ચીપ ..ચીપ  એવી સીસોટી જેવી ધીમી તેની બોલી. પાંચ-દસનાં નાનાં નાનાં જૂથમાં જમીન ઉપરથી વનસ્પતિના દાણા વીણતાં ફરે. આસપાસની ભોંય સાથે એવાં ભળી જાય કે જલદી દેખાય નહીં, એવો તેનો રંગ. સ્વભાવે શરમાળ નહિ. નજીક જાવ એટલે પાસેના ઝાડ પર જઈને બેસે. જેવા તમે થોડા દૂર જાવ કે તરત પાછાં જમીન ઉપર ઉતરી આવે અને ચણવાનું શરૂ કરે. આછી કાંટ અને ખેતર પાદરમાં તેનો વસવાટ. મુખ્યત્વે કણભક્ષી, પણ બચ્ચાંને જીવાત ખવડાવે. ઉપરથી ધૂળિયો બદામી અને નીચે મેલો ધોળો એ તેનો રંગ. પાંખો અને અણીદાર પૂંછડી કાળાશ પડતાં બદામી. ઢીંઢું અને ગળું સફેદ.પેટાળ ધોળાશ પડતું. ચાંચ ટૂંકી, જાડી અને રાખોડી. પગ આછા બદામી. નર માદા સરખાં.  
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

27 March 2020

શકરો

શકરો - The Shikra (Accipiter badius)
 
શકરો આપણા ત્યાં જોવા મળતા શિકારી પક્ષીઓમાં સર્વ સામાન્ય પક્ષી છે, સાઈઝ તેની કબુતર જેટલી. ઉપર નો ભાગ સહેજ વાદળી ઝાંય વાળો રાખોડી, અને ગળાથી લઇને નીચેનો ભાગ સફેદ અને બદામી રંગની આડી પટ્ટીઓ વાળો. શિકારી પક્ષીઓમાં જોવા મળે તેમ શકરામાં પણ ઉમર પ્રમાણે રંગરૂપમાં ફેરફાર થાય. બચ્ચું થોડું મોટું થાય અને ઉડતા શીખે ત્યારે તેનો ઉપરનો રંગ બદામી અને થોડો બ્રાઉન જોવા મળે. પરિપક્વ થયા પછી પણ નર-માદા દેખાવે સરખા લાગે પણ તેમની ઓળખ તેમની આંખોના રંગ થી થાય. માદાની આંખો પીળાશ પડતી હોય અને નરની આંખો લાલાશ પડતી હોય. “ચી..ચીવ...ચી... ચીવ “ એવો અવાજ કરે.
શકરો શહેરી વિસ્તાર, ગામડા કે જંગલોમાં પણ જોવા મળી જાય. પણ ગામડામાં વગડા માં વધારે જોવા મળે. ઘટાદાર ઝાડની અંદર બેસીને ચુપચાપ બેસી રહે અને જેવું કોઈ શિકાર દેખાય કે તરતજ ઝપટ મારીને પકડી લે અને કોઈ ઉંચી જગ્યાએ બેસીને ખાય. તેનો મુખ્ય ખોરાક ગરોળી, કાચીંડા, દેડકા, ઉંદર અને અન્ય નાના પ્રાણીઓ. ક્યારેક કોઈ પક્ષીનાં માળા પર હુમલો કરી ઈંડા કે નાના બચ્ચાનો પણ શિકાર કરે. બુલબુલ, ચકલી, લેલા, કબુતર જેવા પક્ષીઓનો પણ શિકાર કરે. આકાશમાં ઉંચે ઉડીને ચક્કર મારવાનો પણ શોખીન, પણ અન્ય સમયે બહુ ઉંચેનાં ઉડે. એ જયારે ઉડતો હોય ત્યારે અવાજ વગર ઉડે અને ખુલ્લા ભાગમાંથી ઝાડની ગીચ ડાળીઓની વચ્ચે થઈને આરપાર નીકળી જાય ત્યારે તમારા મુખમાંથી “વાહ !” નીકળી જ જાય.
શકરાની બ્રીડીંગ સીઝન માર્ચથી જુન સુધીની ગણાય. ઘટાદાર ઝાડમાં ઊંચાઈ પર માળો બનાવે. એકવારમાં ૩-૪ ઈંડા મુકે. નર-માદા બંને માળો બનાવે અને બચ્ચાનું પોષણ કરે પણ ઈંડા સેવવાનું કાર્ય માદા જ કરે.
માહિતી સાભાર :Jagdish Pandya

26 March 2020

Indian Sandgrouse


Indian Sandgrouse : વગડાઉ બટાવડો 

આપણે ત્યાં સૌથી વધારે વ્યાપક આ બટાવડો. નરનું ઉપરનું શરીર રેતિયા રાખોડી અને સાવ આછા બદામી રંગનું. તેમાં થોડા ઘેરા રંગના, બીજના ચંદ્ર જેવા પુષ્કળ નિશાન તથા પીળા ડાઘ. ગાલ, દાઢી અને ગળું પીળાં. પેટાળ કાળાશ પડતું કથ્થાઈ. છાતી નીચે આડો કાળો પટો. માદાનું ઉપરનું શરીર મેલું બદામી. તેમાં ઝીણી આડી અને ઉભી પુષ્કળ રેખાઓ અને ટપકાની ભાત. ઉપલી છાતીમાં કાળા ટપકાની ઉભી રેખાઓ અને તેને છેડે નીચલી છાતી ઉપર આડો આછો કાળો પટો. નીચેનું પેટાળ અને પડખાં આછા બદામી રંગનાં અને તેમાં કાળાશ પડતી આડી હાર. સ્થાયી પંખી.
પ્રજનન ઋતુ લગભગ આખું વરસ, પણ મુખ્યત્વે નવેમ્બરથી મે. જમીન ખોતરીને તેમાં થોડું ઘાસ પાથરીને માળા કરે.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

24 March 2020

પૃથ્વી પરનું જાદુઈ તત્વ: કાર્બન



કોલસા, પેન્સિલની અણી, ચૂનો, ચોક, આરસ, ઠંડા પીણામાં ઉમેરાતો વાયુ. અને કરોડોની કિંમતના હીરા આ બધું કાર્બનનું બનેલું છે. આપણા શરીરમાં પણ કાર્બન હોય છે.

દરેક પ્રાણી અને વનસ્પતિના બંધારણમાં કાર્બનનો મોટો હિસ્સો છે.  પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખનીજો છે. અને આસપાસ અનેક વાયુઓ છે. દરેક સ્થળે કાર્બન તત્વ કોઈને કોઈ સ્વરૂપે હોય છે.

આપણી આસપાસ ઘણી વસ્તુઓ બનાવવામાં કાર્બન વપરાયેલું હોય છે. મૂળભૂત કાર્બન પૃથ્વીના પેટાળમાં રહેલાં ખડક છે.

વિજ્ઞાાનીઓએ પૃથ્વી પરના પદાર્થો, રસાયણો અને વાયુઓના અભ્યાસ કરીને જુદી જુદી ઓળખ આપી છે. દરેક પદાર્થને અણુબંધારણ હોય છે. અને દરેકના વિશેષ ગુણધર્મ છે.

પરંતુ કાર્બન એવું દ્રવ્ય છે કે તેના બંધારણમાં મોલેકયૂલની સૌથી લાંબી શ્રેણી છે. એટલે તેનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે. તે અન્ય પદાર્થો સાથે સહેલાઈથી ભળીને નવું દ્રવ્ય બને છે. કેલ્શીયમ સાથે ભળે તો કાર્બોનેટ અને હાઈડ્રોજન સાથે ભળે તો હાઈડ્રોકાર્બન ગેસ, પેટ્રોલ, રબર, વગેરે હાઈડ્રોકાર્બન છે.

પૃથ્વી પર નાશ પામતા પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો જમીનમાં દબાઈને કાળક્રમે ખડક બને છે. ખૂબ જ ઊંચા દબાણ અને તાપમાને કોલસો પૃથ્વીના પેટાળમાં હીરો બની જાય છે પરંતુ તે મૂળભૂત કાર્બન જ છે.

હીરો કાર્બનનું સૌથી સખત સ્વરૂપ છે. અને ચોક સૌથી નરમ. સજીવના શરીરમાં કોષોના બંધારણનો મુખ્ય આધાર કાર્બન છે. શરીરમાં શક્તિ સ્વરૂપે રહેલા ગ્લુકોઝ કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે. માનવશરીરમાં ૧૮ ટકા કાર્બન હોય છે.


સૌજન્ય : gujaratsamachar
 


પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ વિશે જાણો



ભૂંકપના સમાચાર તમે તેને કેન્દ્રનું સ્થાન કોઈ શહેરની  ઉત્તરે અમુક અંશ અને પૂર્વ કે પશ્ચિમે અમુક અંશ એવા શબ્દો વાંચ્યા હશે.

પૃથ્વી પર કે દરિયામાં સ્થાન દર્શાવવા માટે અક્ષાંશ અને રેખાંશનાં આંક ઉપયોગમાં લેવાય છે. આ અક્ષાંશ અને રેખાંશ શું છે તે જાણો છો ?
પૃથ્વી સંતરા જેવી ગોળ છે. ભૌગોલિક સ્થાનની ચોકસાઈ માટે પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાની કલ્પના કરવામાં આવી છે. આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશ કહે છે. ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવની બરાબર વચ્ચે વિષુવવૃત્તની રેખા છે.

આ રેખા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોને સરખા ભાગે વહેંચે છે. વિષુવવૃત્તને શૂન્ય ગણીને ઉત્તર અને દક્ષિણ તરફ ૧૧૧ કિલોમીટરના અંતરે  સમાંતર રેખાંયો છે. દક્ષિણ અને ઉત્તર ગોળાર્ધમાં ૯૦-૯૦ અક્ષાંશ છે. અક્ષાંશ એટલે વિષુવવૃત્તથી અંતર.

હવે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ છે. આ રેખા સમાંતર નથી પરંતુ એક એક અંશને ખૂણે દોરેલી છે. તેને રેખાંશ કહે છે. રેખાશ ૩૬૦ છે અને તેની મુખ્ય રેખા ગ્રિનિચ પાસેથી પસાર થાય છે. રેખાંશ એ ગ્રીનીય રેખાથી સ્થળનું અંતર દર્શાવે છે. કોઈ પણ સ્થળ ગ્રીનીચથી પૂર્વ કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે જાણી શકાય છે.


સૌજન્ય : gujaratsamachar