શકરો - The Shikra (Accipiter badius)
શકરો આપણા ત્યાં જોવા
મળતા શિકારી પક્ષી ઓ માં સર્વ સામાન્ય પક્ષી છે, સાઈઝ તેની કબુતર
જેટલી. ઉપર નો ભાગ સહેજ વાદળી ઝાંય વાળો રાખોડી, અને ગળા થી લઇ ને
નીચેનો ભાગ સફેદ અને બદામી રંગની આડી પટ્ટીઓ વાળો. શિકારી પક્ષી ઓ માં જોવા મળે
તેમ શકરા માં પણ ઉમર પ્રમાણે રંગરૂપ માં ફેરફાર થાય. બચ્ચું થોડું મોટું થાય અને
ઉડતા શીખે ત્યારે તેનો ઉપરનો રંગ બદામી અને થોડો બ્રાઉન જોવા મળે. પરિપક્વ થયા પછી
પણ નર-માદા દેખાવે સરખા લાગે પણ તેમની ઓળખ તેમની આંખોના રંગ થી થાય. માદા ની આંખો
પીળાશ પડતી હોય અને નર ની આંખો લાલાશ પડતી હોય. “ચી..ચીવ...ચી...
ચીવ “ એવો અવાજ કરે.
શકરો શહેરી વિસ્તાર, ગામડા કે જંગલો માં પણ જોવા મળી જાય. પણ ગામડા માં વગડા માં
વધારે જોવા મળે. ઘટાદાર ઝાડની અંદર બેસીને ચુપચાપ બેસી રહે અને જેવું કોઈ શિકાર
દેખાય કે તરતજ ઝપટ મારીને પકડી લે અને કોઈ ઉંચી જગ્યાએ બેસીને ખાય. તેનો મુખ્ય
ખોરાક ગરોળી, કાચીંડા, દેડકા, ઉંદર અને અન્ય નાના
પ્રાણીઓ. ક્યારેક કોઈ પક્ષી નાં માળા પર હુમલો કરી ઈંડા કે નાના બચ્ચા નો પણ શિકાર
કરે. બુલબુલ, ચકલી, લેલા, કબુતર જેવા પક્ષીઓ નો પણ
શિકાર કરે. આકાશ માં ઉંચે ઉડીને ચક્કર મારવાનો પણ શોખીન, પણ અન્ય સમયે બહુ ઉંચે નાં ઉડે. એ જયારે ઉડતો હોય ત્યારે
અવાજ વગર ઉડે અને ખુલ્લા ભાગ માંથી ઝાડ ની ગીચ ડાળીઓની વચ્ચે થઈને આરપાર નીકળી જાય
ત્યારે તમારા મુખમાંથી “વાહ !” નીકળી જ જાય.