Republic Day - 2019

21 April 2019

Coppersmith barbet


કંસારા શેરીના ટુક-ટુક અવાજની યાદ તાજી કરાવતો વનરાજીનો કંસારો:




આ પક્ષીનું અંગ્રેજી નામ કોપરસ્મિથ બારબેટ કે ક્રિમસન બ્રેસ્ટેડ બારબેટ છે. આ પક્ષી સર્વવ્યાપક છે. બાગબગીચા, ખેતરો અને જંગલોમાં નજરે પડે છે. હરિનારાયણ આચાર્યે (વનેચર)આ પક્ષીના અવાજને ખેતરમાં રેંટ કે કોસનાં પૈડાંના અવાજ જેવા ટુક-ટુક-ટુક સાથે સરખામણી કરી છે (વનવગડાનાં વાસી).

પુષ્ટ શરીરવાળું આ પક્ષી ચકલીથી થોડું મોટું છે. ઉપરના ભાગમાં તાજા ઘાસ જેવો લીલો રંગ હોય છે. ગળું ને આંખ ફરતો ગાલનો ભાગ પીળો હોય છે. હેઠળનો ભાગ પીળાશ પડતો કે લીલાશ પડતો ધોળો હોય છે. તેમાં ઊભી રેખાઓ હોય છે. કપાળ અને છાતી ઉપર ઝગારા મારતા લાલ રંગના લાંછન હોય છે. પુષ્ટ ચાંચના મૂળ પાસે મૂછ જેવા વાળ હોય છે. ટૂંકા પગ ગુલાબી રંગના હોય છે. ખોરાકમાં પીંપળાની કૂંપળો, વડના ટેટા અને નાનામોટા જીવજંતુઓ આરોગે છે. નર-માદા દેખાવમાં સરખાં હોય છે. જાન્યુઆરીથી જૂન દરમ્યાન તેમનો પ્રજનનકાળ હોય છે. નરમ લાકડાવાળાં વૃ સરગવો, પાંડરવો (પંગારા) વગેરેની આડી ડાળ ખોતરી, કાણું પાડી માળો બનાવે છે. પ્રવેશનું બાકોરું નીચેની બાજુએ હોય છે. તેમાં ચળકાટ વગરનાં સફેદ રંગનાં ત્રણ ઇંડા મૂકે છે. આપણે ત્યાં બારબેટ અથવા કંસારા પક્ષીઓની બીજી પણ કેટલીક જાત જોવા મળે છે.

સાભાર : આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારી