ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.
સાઇબીરિયા અને મધ્ય એશિયામાંથી શિયાળો ગાળવા અહીં આવે છે. કદમાં લડાખી ધોમડાથી થોડાં નાનાં હોય છે. માથું સફેદ હોય છે, પરંતુ માર્ચના અંતમાં સ્થળાંતર સમયે માથાનો ભાગ કાળો થવા માંડે છે. પાંખની કિનારીઓ કાળા રંગની હોય છે. ચાંચ અને પગ રાતા હોય છે. નર-માદા દેખાવે સરખાં જ લાગે છે.