White-browed bulbul (શ્વેતનેણ બુલબુલ)
આપણે ત્યાં ચાર જાતના બુલબુલ થાય છે. તેમાં સફેદનેણ બુલબુલ
સિવાય કોઈ શરમાળ નથી. બધો વખત ગીચ છોડવા કે એવી જ ગીચ વાડોમાં તે ફર્યા કરે,
ભાગ્યે જ ખુલ્લામાં આવે. બહાર નીકળે ત્યારે પણ એક વાડ કે છોડઝૂંડમાંથી નીકળી બીજામાં
જવા પૂરતું. પણ બોલવામાં તેને જરાય શરમ નડતી નથી. વારંવાર બોલ્યા કરે. અવાજ પણ ઠીક
ઠીક દૂર સુધી સંભળાય તેવો. બુલબુલ (રેડવેન્ટેડ બુલબુલ)ના અવાજથી પરિચિત પક્ષીનિરીક્ષકના
કાન તે સાંભળી તરત ચમકે. પહેલાં કદી તેને જોયું કે સાંભળ્યું ન હોય છતાં તેને ખ્યાલ
આવી જાય કે બુલબુલ ગોત્રનું કોઈ પંખી બોલે
છે. કંઠમાં ગાન સમાતું ન હોય તેમ એકદમ તેનો અવાજ નીકળે. સફેદનેણ બુલબુલ આપણને
શ્રાવણલાભ સહેલાઈથી આપે. પણ તેનો દર્શનલાભ દુર્લભ. જે વાડ કે જાળા-ઝાંખરામાંથી
અવાજ આવતો હોય તેનાથી થોડે દૂર ચકોર નજરે શાંતિથી બેસવાની ધીરજ હોય તો જોવા મળવાનો
સંભવ ખરો, પણ ખાતરી નહિ !
આ બુલબુલનું ઉપરનું શરીર ઝાંખું લીલાશ પડતું. માથું સાવ
આછું રાખોડી. નેણ સફેદ. પેટાળ આછી પીળી છાયાવાળું મેલું ધોળું. પેડું પીળાશ પડતું.
ચાંચ કાળી. પગ સીસા જેવા. નર-માદા સરખાં. છોડઝાંખરાવાળી જગ્યા, ખેતર આસપાસની ગીચ
વાડ કે પાદરમાં આવેલ ગીચ વનસ્પતિમાં તે રહે. જુદી જુદી વનસ્પતિનાં ફળ અને જીવડાં
તેનો ખોરાક.
પ્રજનન રૂતુ મુખ્યત્વે એપ્રિલથી ઓગસ્ટ. ઝીણાં મૂળ અને
વનસ્પતિનો સુગ્રથિત માળો નાનાં વૃક્ષ, મોટા છોડ કે વાડમાં બનાવે.
સ્થાયી નિવાસી. ઠીક ઠીક વ્યાપક- અમદાવાદથી દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્ર,
કચ્છ કે ઉત્તર ગુજરાતમાં નથી.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ