સારસ બેલડી
સારસ એ આપણું પક્ષી છે, કારણ કે તે સૌથી વધારે ભારતમાં જોવા મળે છે. ભારત સિવાય તે ઓસ્ટ્રેલિયાના અમુક વિસ્તારમાં અમુક સમયે દેખા દે છે, તે પણ ભાગ્યે જ. અલબત્ત સારસ તેની લંબાઇના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે, કારણ કે માત્ર ભારતમાં વધારે જોવા મળતા આ પક્ષીને દુનિયાનું સૌથી લાંબુ પક્ષી ગણવામાં આવે છે. જીવ જગતમાં દરેક પક્ષી અને પ્રાણી પાસે કોઇ ને કોઇ વિશેષતા જોવા મળતી હોય છે. જે તેને બીજા પ્રાણી અને પક્ષી કરતાં અલગ પાડે છે. સારસમાં પણ એવી વિશેષતા છે, તો ચાલો જાણી લઇએ સારસ વિશેની રસપ્રદ વાતો
દેખાવે સારસ પ્રમાણમાં દુબળું શરીર, લાંબી પાંખો, લાંબી ડોક અને લાંબા પગ ધરાવતું પક્ષી છે. તેના શરીરનો રંગ ગ્રે અને સફેદ હોય છે. જોકે તેની ડોક તેમજ મોઢા ઉપર સિંદુરીયો લાલ કલર હોય છે.
સારસને દુનિયાનું સૌથી લાંબુ પક્ષી ગણવામાં આવે છે, જે ઊડી શકે છે, તેની લંબાઇ ૧.૮ મીટર મતલબ કે ૫ ફૂટ અગિયાર ઈંચ સુધીની હોય છે. જે કોઇ માણસની લંબાઇ જેટલું થાય છે. આટલી લંબાઇ ધરાવતું હોવા છતાં સારસ ઊડી શકે છે.
સારસ ઊડતી વેળાએ હંમેશાં તેની ગરદનને સીધી રાખીને ઊડતું હોય છે. તેની ગરદન લાંબી હોવા છતાં તે આ જ રીતે ઊડતું જોવા મળે છે.
નર સારસ કરતાં માદા સારસની લંબાઇ ઓછી હોય છે, માદા સારસની લંબાઇ ૫.૯ ઈંચ જેટલી થાય છે, જ્યારે નર ૫.૧૧ ઈંચ સુધી લાંબુ થઇ શકે છે. સારસનું વજન પાંચ કિલોથી લઇને દસ કિલો જેટલું હોય છે. જે બીજા મોટા કદવાળા પક્ષીઓ કરતાં ઓછું ગણવામાં આવે છે.
સારસ મોટેભાગે પાણીની આસપાસ જોવા મળતું પક્ષી છે. તે જે જગ્યાએ નદી કે તળાવ હોય ત્યાં જ રહેવાનું પસંદ કરે છે.
નદીમાંથી નાની માછલી, દેડકાં, કરચલા વગેરે તેનો મનપસંદ ખોરાક છે, તે સિવાય સારસ નાના અળસિયાં અને ઇયળ પણ ખાવાનું પસંદ કરે છે. ઘણા સારસ પાણીની આસપાસની વનસ્પતિ પણ ખાતા જોવા મળે છે.
સારસ સ્વભાવે શાંત પક્ષી છે. તે નદીની કે તળાવની આસપાસ ફરતું રહે છે અને પોતાની જાતિના બીજા સારસ સાથે જ જોવા મળતું હોય છે.
માહિતી સાભાર : Sandesh news