Republic Day - 2019

05 February 2020

કંસારો

ટુકટુક તરીકે ઓળખાતું પક્ષીઃ કંસારો
 
અંગ્રેજીમાં જેને કોપરસ્મિથ બાર્બેટ કહેવામાં આવે છે જ્યારે ગુજરાતીમાં કંસારો તરીકે ઓળખવામાં આવે છે એ પક્ષીનું ત્રીજું નામ ટુકટુક પણ છે. કંસારો તેના આગવા નામ ટુકટુકના કારણે તો જાણીતો છે જ સાથે સાથે તેના દેખાવને કારણે પણ ખૂબ જાણીતો છે. આ પક્ષી નાનું અને મીઠડું છે, નાના બાળકોને જોઇને જ ગમી જાય એવા કંસારા વિશે આજે વિગતે વાત કરીએ.
કંસારો ભારતીય મૂળ ધરાવતું પક્ષી છે, તે ભરતીય ઉપમહાદ્વીપમાં વધારે જોવા મળે છે.
આ પક્ષી તેના દેખાવને કારણે ખાસ જાણીતું છે, તે નાનું છે છતાં સુંદર છે, તેના માથે લાલ કલરની નાની ચમકતી કલગી છે, અને આ જ કલગી તેની ઓળખ બની ગઇ છે.
આ પક્ષીનું કંસારો નામ તેના ગળામાંથી આવતા ટુકટુક અવાજના કારણે પડયું છે, તે પોતાના ગળામાંથી જે પ્રકારનો ટુકટુક અવાજ કરે છે તે જાણે વાસણ ઉપર હથોડી ટીપવાનો અવાજ હોય તેવું લાગે છે, જેથી તેને કંસારો તરીકે ઓળખવામાં આવે છે. અને ગળામાંથી નીકળતા ટુકટુકના અવાજના કારણે જ તેને ટુકટુક પક્ષીના નામે પણ ઓળખવામાં આવે છે. આમ આ પક્ષીનું નામ તેના અવાજને કારણે પડયું છે.
ટુકટુક સ્વભાવે શાંત પક્ષી છે, તે માનવ વસ્તી વાળી જગ્યાએ ભાગ્યે જ જોવા મળતું હોય છે. તે શાંત જગ્યાએ રહેવાનું વધારે પસંદ કરે છે, તેથી જ ઓછી વસતી ધરાવતા બગીચામાં, ગાઢ જંગલોમાં અને વધારે વૃક્ષો ધરાવતા વિસ્તારમાં વધારે જોવા મળે છે.
ટુકટુકનું પ્રિય ભોજન ફળફળાદી અને વંદા છે, તે વડના ટેટા, પીપળાના પાન અને ફળ, અંજીર અને અન્ય ફળો ખાવાનું પસંદ કરે છે, તે સિવાય વંદા પણ તેનો મનપસંદ ખોરાક છે, જેથી જે વિસ્તારમાં વંદાનો ત્રાસ વધારે હોય ત્યાં એકાદવાર ટુકટુક અવશ્ય જોવા મળી જતું હોય છે. નાના-નાના જીવજંતુઓમાં ટુકટુક ખાસ વંદાને જ ભોજન બનાવવાનું પસંદ કરે છે, તે ભાગ્યે જ ઇયળ કે બીજા નાના જીવ ખાતું હોય છે.
ટુકટુક દરરોજ પોતાના શરીરના વજન કરતાં દોઢથી ત્રણગણો ખોરાક ખાઇ શકે છે.
ટુકટુક ઝાડની બખોલમાં પોતાની ચાંચ વડે કોતરીને પોતાના રહેવા માટે નાની બખોલ બનાવી તેમાં રહે છે.
દેખાવે ટુકટુક સુંદર છે, તેના શરીર ઉપર ગ્રે અને પોપટી બંને કલરના પીંછા હોય છે, તેમજ તેની આંખે પીળા કલરનું ગોળ ટપકું છે, જ્યારે તેના માથે લાલ કલરની કલગી હોય છે. તેની ચાંચ નાની પણ અણીદાર હોય છે. નર ટુકટુક માદાને આકર્ષિત કરવા સુંદર અવાજ કરતા હોય છે. એક સમયે ટુકટુક ત્રણથી ચાર ઈંડાં મૂકે છે.
માહિતી સાભાર : sandesh.com