નીલકંઠ ( Indian Roller )
નીલકંઠ ભારતમાં જોવા મળતું પક્ષી છે. આ પક્ષી ઈન્ડિયન રોલર
તરીકે પણ ઓળખાય છે. લીલા અને ભૂરા રંગનું આ પક્ષી દેખાવે સુંદર હોય છે. નીલકંઠ
પક્ષીનો ભલે રોલર પ્રજાતિ સાથે સબંધ હોય પણ તેનો રંગ તેનાથી તદ્દન અલગ હોય છે. તે
ભારત ઉપરાંત દક્ષિણ એશિયા, ઈન્ડોનેશિયા અને
ઈરાક જેવા દેશોમાં પણ જોવા મળી રહે છે. તેઓ પ્રવાસી પક્ષી તો નથી પણ ઋતુ પ્રમાણે
તેઓ પોતાની જગ્યા બદલતા રહેતા હોય છે. નીલકંઠ પક્ષીના માથા અને પાંખોનો રંગ લીલો
હોય છે. તેમજ તેના ગળાનો રંગ હલકો ભૂરો હોય છે. તેની ચાંચ કાળા રંગની હોય છે. તેનો
અવાજ કાગડા જેવો તીક્ષ્ણ અને કર્કશ હોય છે. નીલકંઠ નામનું આ પક્ષી લગભગ ૨૭
સેન્ટીમીટર જેટલું લાંબું હોય છે. તે દેખાવે મેના જેવું લાગ છે. તેનું વજન ફક્ત
૮૦થી ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. નર અને માદા નીલકંઠ દેખાવમાં લગભગ એક જેવા જ હોય
છે. નીલકંઠની ખાસીયત એ છે કે તે હવામાં ઊડતાં જાતજાતના કરતબ કરતું હોય છે. તે
હવામાં ઊડતાં ઊડતાં એરોબિક્સ મૂવ્સ કરે છે. તેમજ ૩૬૦ ડીગ્રી ગોળ ફરી પણ શકે છે.
નીલકંઠનો પ્રજનન સમય ભારતમાં મે મહિનાથી જૂન સુધીનો હોય છે. એટલે કે ગરમીની ઋતુમાં
તે બચ્ચાંઓને જન્મ આપે છે. નીલકંઠ પક્ષી જંગલો ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં પણ
વસવાટ કરે છે. આ ઉપરાંત તેઓ જંગલ નજીક ઘાસના મેદાનોમાં પણ જોવા મળે છે. કેટલીક વખત
તેઓ રસ્તાઓ પરના થાંભલાના તાર પર પણ બેઠેલા જોવા મળી રહે છે. નીલકંઠ પક્ષીનો મુખ્ય
ખોરાક બીજ, નાની ઈયળો, જીવજંતુ, નાના સરિસૃપ પ્રાણીઓ, નાના વીંછી અને
મકોડા છે.
આ ઉપરાંત તેઓ હવામાં ઉડતા નાના જીવજંતુઓને પણ તરાપ મારીને
ખાઈ જાય છે. આ નીલકંઠ પક્ષીને ખેડુતપ્રેમી પક્ષી પણ કહેવાય છે. તે ખેતરમાં જોવા
મળતા કીટકોને ખાઈને પાકને બગડવાથી બચાવે છે. નર નીલકંઠ માદાને આકર્ષિત કરવા હવામાં
ગુલાટીઓ મારે છે. આ સમયે તેની પાંખોનો લીલો રંગ ખૂબ જ સુંદર લાગતો હોય છે. સામાન્ય
રીતે તેઓ પોતાનો માળો ઝાડ પર તેમજ ઝાડની બખોલમાં બનાવે છે. માદા નીલકંઠના ઈંડા
સફેદ રંગના હોય છે. તે એક વખતમાં ત્રણથી ચાર ઈંડા મૂકે છે. નર અને માદા નીલકંઠ
બંન્ને ભેગા મળીને ઈંડાને સેવે છે.
વીસ દિવસ બાદ ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે. બે મહિના સુધી
નર અને માદા નીલકંઠ બચ્ચાંનો ઉછેર કરે છે અને ત્યારબાદ બચ્ચાં માળો છોડીને ઉડી જાય
છે. કેટલાક લોકો નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું સ્વરૂપ માને છે. માટે જ તેને નીલકંઠ
તરીકે ઓળખવામાં આવે છે. દશેરા અને દુર્ગા પૂજામાં આ પક્ષી દેખાઈ જાય તો શુભ
માનવામાં આવે છે. નીલકંઠ પક્ષી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેંલગાણા અને
ઓડીસા જેવાં રાજ્યોનું રાજકીય પંખી જાહેર કરવામાં આવ્યું છે. તેમનુું આયુષ્ય ૧૮થી
૧૮ વર્ષનું હોય છે. હાલના સમયમાં નીલકંઠ પક્ષીની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે.
Sandesh : જંગલબુક :- નીરવ દેસાઈ