બપૈયો (Common hawk cuckoo)
વર્ષા ઋતુના આગમન અરસામાં બપૈયાનું ગળું ખુલે. પ...પીહા
પ...પીહા એમ ચડતા સ્વરે પાંચ-સાત બોલ કાઢે. પછી અચાનક અટકે. વાળી, થોડીવારે ફરી
શરૂ કરે. આમ, તેની ગાનધારા મેઘધારાની માફક આખું ચોમાસું ચાલે. શરૂ શરૂમાં ઓછું
બોલે. જેમ જેમ ચોમાસું વધતું જાય તેમ તેમ તેનું ગાન જામતું જાય. દિવસ અને રાત ગાયા
જ કરે. અંગ્રેજ પક્ષી વિશારદોએ બપૈયાના અવાજને કંટાળાજનક કહીને તેને ખૂબ ભાંડ્યો
છે. તેમેણે “ભેજખાઉ પંખી” (બ્રેઈન ફીવર બર્ડ) એવું બીજું નામ આપીને વાગોવણીની હદ
કરી નાખી છે. આપણું લોક સાહિત્ય જુઓ. શિષ્ટ સાહિત્ય વાંચો. તે બંનેમાં કવિઓએ તેને
બહુ લડાવ્યાં છે. કોયલ અને બપૈયાના ગાનને કંટાળાજનક કહેનાર એક પણ ભારતીય કવિ, લેખક
કે સાહિત્યકાર નહિ નીકળે.
ઘટાદાર વૃક્ષોમાં રહેનાર પંખી છે. અંદરની કોઈ ડાળે બેસે.
તેનો રંગ એવો છે કે પાંદડાની છાયામાં ભળી જાય. એક સ્થળે બેસીને બોલ્યા કરે. બહુ હર
ફરની ટેવ નહિ. આથી જલદી નજરે ન ચડે. સ્વભાવે શરમાળ. અવાજ ઉપરથી શોધતાં શોધતાં તમે
તે વૃક્ષની નજીક માંડ પહોંચ્યા હો ત્યાં ઉડીને થોડે દૂર બીજાં ઘટાદાર ઝાડમાં જતો
રહે. આમ, સંતાકુકડી ચાલે. કલાકોની રખડપટ્ટી પછી પણ બપૈયાની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર
ન થાય. તમારી ધીરજની કસોટી કરે. ક્યારેક વાળી એવું બને કે તેની અલપઝલપ ઝાંખી થાય ન
થાય અને તે ભાગી નીકળે. પંખી પ્રેમી તેથી નિરાશ ન થાય. ઉલટું બપૈયાને શોધવાની તેને
વધારે ચાનક ચડે. અંતે બપૈયો સરખી રીતે જોવા મળી જાય ત્યારે થતા આનંદની શી વાત કરવી
? દુનિયાડાહ્યા માણસને આવી રખડપટ્ટી
કરનારો ચક્રમ લાગે. ખરો પંખીપ્રેમી હોય તેને જ આ આનંદ સમજાય.
પક્ષી નિરીક્ષકોને ગાંડા કરનાર બપૈયો છે કેવો ? આકૃતિએ નમણો
પણ રંગે આકર્ષક નહિ. ઉપરથી રાખોડી. છાતી રાખોડી. લાંબી પૂંછડીમાં ચાર-પાંચ આડા પટા
બદામી. પેટાળ મેલું ધોળું અને બદામી પટાવાળું. ચાંચ લાલાશપડતી અને પાતળી. પગ પીળા.
ચોમાસા સિવાયની રૂતુમાં મુખ્યત્વે શાંત. બાળ ઉછેરનું કામ લેલાં પાસે કરાવે.
નર-માદા સરખાં. ખોરાકમાં ફળો, જીવડાં અને ઈયળ. ઝાડમાંથી ખોરાક શોધી લે. જમીન ઉપર
ભાગ્યે જ આવે.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ