Republic Day - 2019

29 February 2020

દેવચકલી


દેવચકલી : Indian Robin

આ પક્ષીને સ્થાનિક ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી, નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંયવાળો. શિયાળામાં પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે. તેનાં ચાંચ અને પગ કાળા રંગના, આંખ પણ કાળા રંગની હોય છે. માદાનો રંગ કથ્થાઇ હોય છે. ગુજરાત તથા ભારતમાં બધેજ, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા વિગેરે બધેજ જોવા મળે છે. આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન, વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે. જીણી જીવાત અને ઉધઇ ખાય છે. સાંજનાં સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.
આ પક્ષી ખડકોનાં પોલાણ, થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં માળો બનાવે છે. માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે. તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે. જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય હોય છે.

28 February 2020

ગુલાબી પેણ


Great white pelican (ગુલાબી પેણ )

ગીધ જેટલું મોટું પક્ષી સફેદ અને ગુલાબી ઝાંયવાળો રંગ ધરાવે છે. છાતી ઉપરથી પીળાં પીંછાનું ઝૂમખું ઝૂલતું હોય છે. નાનકડી કલગી ધરાવે છે. કપાળ ઉપરનાં પીંછાં ચાંચ સુધી હોય છે. પાંખમાં કાળાં પીંછાં પણ હોય છે. નર-માદા દેખાવમાં સરખાં હોય છે. માદા કદમાં થોડી નાની હોય છે. આ પક્ષી આપણા પ્રદેશમાં રહે છે. સાથે ઠંડા પ્રદેશમાંથી આવતું શિયાળું મહેમાન પણ છે. નાનાં તળાવો અને લગુનમાં પંજાબ, રાજસ્થાન અને કોઈક વખત દક્ષિણ ભારતમાં જોવા મળે છે. સમૂહમાં પાણીમાં મસ્તી કરતાં જોવા મળે છે. પ્રજનન સમય ફેબ્રુઆરીથી એપ્રિલ છે. ૧૯૬૦માં કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓની વચ્ચે આ પક્ષીનાં માળા મળેલાં. પૂર્વીય યુરોપ અને મધ્ય પૂર્વમાં પણ પ્રજનન કરે છે. સપાટ જમીન ઉપર પીછાં ગોઠવી માળો ચણે છે. તેની ઉપર હાથીદાંતના જેવા રંગના બે ઇંડાં મૂકે છે. તરુણ પક્ષી મેશ જેવું કાળું હોય છે.
માહિતી : ડૉ. અશોક એસ. કોઠારી

ચોટીલી પેણ

Dalmatian Pelican - ચોટીલી પેણ
આ પણ ગીધ જેટલાં કદનું મોટું પક્ષી છે. દૂરથી ગુલાબી પેણ જેવું જ દેખાય છે. પગ અને આંગળાં ઘેરા રાખોડી રંગના હોય છે. કપાળનાં પીંછાં અર્ધચંદ્રની જેમ વળેલાં હોય છે. પાંખની નીચે આછો રાખોડી પડતો સફેદ રંગ હોય છે. શિયાળું મહેમાન છે. દક્ષિણ ભારતમાં ખાસ દેખાતાં નથી. મોટી નદીઓ, તળાવો અને દરિયાકિનારાનાં લગૂનોમાં સમૂહમાં દેખાય છે. પૂર્વીય યુરોપ અને મધ્ય અને ઉત્તરીય એશિયામાં પ્રજનન કરે છે.
માહિતી : ડૉ. અશોક એસ. કોઠારી

 

26 February 2020

White-browed bulbul

White-browed bulbul  (શ્વેતનેણ બુલબુલ)
આપણે ત્યાં ચાર જાતના બુલબુલ થાય છે. તેમાં સફેદનેણ બુલબુલ સિવાય કોઈ શરમાળ નથી. બધો વખત ગીચ છોડવા કે એવી જ ગીચ વાડોમાં તે ફર્યા કરે, ભાગ્યે જ ખુલ્લામાં આવે. બહાર નીકળે ત્યારે પણ એક વાડ કે છોડઝૂંડમાંથી નીકળી બીજામાં જવા પૂરતું. પણ બોલવામાં તેને જરાય શરમ નડતી નથી. વારંવાર બોલ્યા કરે. અવાજ પણ ઠીક ઠીક દૂર સુધી સંભળાય તેવો. બુલબુલ (રેડવેન્ટેડ બુલબુલ)ના અવાજથી પરિચિત પક્ષીનિરીક્ષકના કાન તે સાંભળી તરત ચમકે. પહેલાં કદી તેને જોયું કે સાંભળ્યું ન હોય છતાં તેને ખ્યાલ આવી જાય કે બુલબુલ ગોત્રનું  કોઈ પંખી બોલે છે. કંઠમાં ગાન સમાતું ન હોય તેમ એકદમ તેનો અવાજ નીકળે. સફેદનેણ બુલબુલ આપણને શ્રાવણલાભ સહેલાઈથી આપે. પણ તેનો દર્શનલાભ દુર્લભ. જે વાડ કે જાળા-ઝાંખરામાંથી અવાજ આવતો હોય તેનાથી થોડે દૂર ચકોર નજરે શાંતિથી બેસવાની ધીરજ હોય તો જોવા મળવાનો સંભવ ખરો, પણ ખાતરી નહિ !
આ બુલબુલનું ઉપરનું શરીર ઝાંખું લીલાશ પડતું. માથું સાવ આછું રાખોડી. નેણ સફેદ. પેટાળ આછી પીળી છાયાવાળું મેલું ધોળું. પેડું પીળાશ પડતું. ચાંચ કાળી. પગ સીસા જેવા. નર-માદા સરખાં. છોડઝાંખરાવાળી જગ્યા, ખેતર આસપાસની ગીચ વાડ કે પાદરમાં આવેલ ગીચ વનસ્પતિમાં તે રહે. જુદી જુદી વનસ્પતિનાં ફળ અને જીવડાં તેનો ખોરાક.
પ્રજનન રૂતુ મુખ્યત્વે એપ્રિલથી ઓગસ્ટ. ઝીણાં મૂળ અને વનસ્પતિનો સુગ્રથિત માળો નાનાં વૃક્ષ, મોટા છોડ કે વાડમાં બનાવે.
સ્થાયી નિવાસી. ઠીક ઠીક વ્યાપક- અમદાવાદથી દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર ગુજરાતમાં નથી.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ

21 February 2020

ડોકામરડી

Wryneck (ડોકામરડી)
 
દેખાવમાં લક્કડખોદને મળતું આવતું અને ટૂંકી ચાચ તથા કથ્થાઈ રંગનું રેનેક તેના પગના આકારની ખાસિયત તથા માથા અને ચાંચના આકારને લીધે નોંખુ તરી આવે છે. તેના પગ ઝાયગોડેકટાઈલ આકારના હોય છે. એટલે કે તેના પગના નહોંર સહિતના બે આંગળા આગળની તરફ હોય છે. જ્યારે બીજા બે આંગળા પાછળની તરફ વળેલા હોય છે. તેની આ ખાસિયતને કારણે તે શિકાર પર પોતાની પક્કડ લાંબો સમય સુધી અને અસરકારકપણે જમાવી શકે છે. રેનેકની ચાંચ ટૂંકી હોય છે અને માથુ તથા મોં પ્રમાણમાં મોટા હોય છે. રેનેક પક્ષીનું ગુજરાતી નામ ડોકામરડી છે. ડોકામરડી નામ તેની ગળુ ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકવાની ક્ષમતાને કારણે પડ્યું છે.
આ પક્ષી લક્કડખોદ પરિવારનું છે અને પોતાનો માળો થડ પર નહીં પણ ઊંચાઈ પર ડાળીને ચાંચ વડે કોતરીને બનાવતું હોય છે. આ પક્ષી રેર પક્ષી નથી પણ વઢવાણા તળાવ ખાતે તેની હાજરી ચોક્કસ પ્રથમવાર હશે.
ભારતમાં સૌરાષ્ટ્રના ગીરના જંગલોમાં, મધ્યપ્રદેશના વનમાં પણ નોંધાયલું છે. મૂળે હિમાલયના પશ્ચિમભાગમાં આ પક્ષી જોવા મળે છે.
માહિતી સાભાર : દિવ્યભાસ્કર