બહુ સહેલાઈથી નજરે ન ચડે એવું એક નાનું પણ નમણું પક્ષી એટલે ફૂત્કી.
કદ ચકલીએથીય નાનું. નામ પ્રમાણે આ ફૂત્કીને કપાળે રતુંબડૉ રંગ. ઉપરનું શરીર રાખોડી ઝલક્વાળું બદામી. નેણ ધોળી. પેટાળ ધોળું. પૂંછડી લાંબી અને ચડઉતર પીંછાંવાળી. તેના વચ્ચેના બે સિવાયના બાકીના પીંછાના છેડા સફેદ.
કેરડાં, બોરડી, જીપ્ટા, બાવળ, ગોરડ જેવા રુક્ષ ઝાડવાળો પ્રદેશ, ઝાંખરાવાળા સૂકાં નાળાં, ખેતરોનો ઉભો પાક વગેરે સ્થળોએ જાળા-ઝાંખરાંમાં જમીન ઉપર ઠેકડા મારતી બે-પાંચની સંખ્યામાં કે બીજી ફૂત્કીઓ અને ટીકટીકીઓના સાથમાં ફરતી રહી જીવાત શોધીને ખાય.
જુનથી ઓક્ટોબર – ચોમાસામાં તેનો પ્રજનન કાળ. દડા જેવો ઘાસનો મળો છોડવાઓમાં બનાવે. સ્થાયી નિવાસી. વ્યાપક.