Republic Day - 2019

31 October 2018

કંસારો

કંસારો અથવા ટુકટુક :

એક જમાનો હતો જ્યારે ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોમાં કંસારા શેરીઓ હતી. ત્યાંથી પસાર થતાં કંસારાઓ તાંબા-પિત્તળના વાસણોને એરણ ઉપર રાખી પીટતાં ઉત્પન્ન થતો ટુક ટુક અવાજ સંભળાતો. એ કળાકારીગરીવાળાં વાસણો લગભગ અદૃશ્ય થઇ ગયાં છે. હવે સ્ટીલ યુગ આવતાં કંસારા શેરીઓમાંથી પસાર થતાં ટુક ટુક અવાજ સંભળાતો નથી. ઘણાં ઓછાં ઘરોમાં કળાકારીગરીના નમૂના અને બાપદાદાની યાદગીરી જેવાં સુંદર વાસણો સચવાયેલાં જોવાં મળે છે. આખો દિવસ શ્રમ કરીને સુંદર વાસણો ઘડતા કંસારાઓનો ટુક ટુક અવાજ આજે ભૂતકાળમાં અદૃશ્ય થઇ ગયો છે, પરંતુ સુંદર પક્ષી કંસારા અથવા ટુકટુકિયાઓનો દિવસભર આવો અવાજ ચાલુ હોય છે. લીલા રંગને લઇને વૃક્ષની ઘટામાંથી તેમને શોધી કાઢવા મુશ્કેલ થઇ પડે છે. તે સિવાય ડોકું આમતેમ ફેરવીને અવાજ કરતા હોવાથી જુદી જુદી દિશાઓમાંથી અવાજ આવતો સંભળાય છે. આ પક્ષીનું અંગ્રેજી નામ Coppersmith Barbet (કોપરસ્મિથ બારબેટ કે ક્રિમસન બ્રેસ્ટેડ બારબેટ) છે.
આ પક્ષી સર્વવ્યાપક છે. બાગબગીચા, ખેતરો અને જંગલોમાં નજરે પડે છે. હરિનારાયણ આચાર્યે (વનેચર)આ પક્ષીના અવાજને ખેતરમાં રેંટ કે કોસનાં પૈડાંના અવાજ જેવા ટુક-ટુક-ટુક સાથે સરખામણી કરી છે (વનવગડાનાં વાસી).