Republic Day - 2019

31 October 2018

લક્કડખોદ

અક્કડ ફક્કડ લક્કડખોદ: Wood-peacker




રાખનારે પક્ષીઓનાં નામ પણ કેવાં સારાં અને સાચાં રાખ્યાં છે ! લક્કડખોદ એટલે લાકડા ખોદનાર. મોટે ભાગે લક્કડખોદ ઝાડ ખોદે છે. ઝાડની જાડીજાડી છાલ તે ઉખાડી નાખે છે. એ છાલ પાછળ નિવાસ કરતાં જીવડાં, તેના ઈંડાં, તેના લારવા, લક્કડખોદનો પ્રિય ખોરાક છે. ચોમાસામાં અને શિયાળામાં તેને બહુ ખોદવું પડતું નથી. કેમ કે ભેજવાળા થડની છાલ ઝટ નીકળી આવે છે. ઉનાળામાં પરિશ્રમ વધારે કરવો પડે છે. પણ કુહાડી-કોદાળી જેવી તીક્ષ્ણ ચાંચને એમાં ઝાઝી તકલીફ પડતી નથી ! એની ચાંચમાં ખરેખર ભારે શક્તિ હોય છે. એટલી જ શક્તિ એના પગમાં હોય છે.
લાકડાને કોરવું એ સરળ વાત નથી. ક્યારેક કલાકો સુધી ટકટક ટકટક ખોદ્યા કરે ! ત્યારે લક્કડખોદ ધાર્યું નિશાન પાર પાડે છે ! લક્કડખોદ પક્ષીઓનું સૈનિક છે. તે જરૃર કરતાં વધારે ખોદે છે કે જેથી કાગડાં, કાબર, ચકલી, દેવચકલી તથા એવાં જ બીજાં પક્ષીઓને પણ પૂરતો ખોરાક મળી રહે, પક્ષીઓ પર આફત આવે ત્યારે તે પોતાની ચાંચથી સાથી પક્ષીનું રક્ષણ પણ કરે છે.
લક્કડખોદની ઘણી જાતિઓ છે. ચકલીથી માંડીને કાગડા સુધીનું તેનું કદ છે.
લક્કડખોદ - બુલબુલની જેમ ગાનારું પંખી છે. કામ કરતાં કરતાં ગાવાનું તેને ગમે છે. આકરી મહેનત બાદ ખોરાક મળી જવા છતાં તે કામ રોકી દેતું નથી. તેની ચાંચ ચાલુ રાખે છે. એથી પોતાને માટે વધારે તથા બીજાં પક્ષીઓને માટે પણ સ્વાદિષ્ટ ભોજન જમા રહે છે.
ખોરાક શોધતી વખતે તે ગોળાકાર કાણાંઓ પાડે છે. ચાંચ આખી પેસી જાય એટલું ગોળ કાણું પાડી નાખે છે. એક દિવસમાં એ કાર્ય પૂરું ન થાય તો બે-ત્રણ દિવસ લગાડે છે. પણ પોતાના માળા માટે તે ચોરસ ઘર બનાવે છે. એ ચોરસ ઊંડા ઘરમાં તે આછા ટપકાંવાળાં સરસ મજાનાં બેથી ત્રણ ઈંડાં મૂકે છે. જ્યારે બચ્ચાં કલબલ કરે છે ત્યારે તે ચાંચ બહાર રાખીને બેસે છે. પોતે બહાર ઊડીને બચ્ચાં માટે પોચો ખોરાક લઇ આવે છે, તે ઉપરાંત બચ્ચાંને ઝાડની અંદરથી જ ખોરાક શોધી લેતાં શીખવે છે. પાણીમાં તરતાં લાકડાં, નીચે પડેલાં લાકડાં જેવા હર પ્રકારના ઝાડની તે મજા લે છે, પણ ઊભેલા લીલાંછમ ઝાડ તેની પ્રિય બેઠક છે.
પોતે પાડેલી ગોળ ગોળ ઊંડી બખોલમાં જ્યારે બીજાં પક્ષીઓ નિવાસ કરે છે, અથવા માળા બાંધે છે ત્યારે લક્કડખોદ રાજી થાય છે. હા, નાના મોટા સાપ જેવા જીવ એ દિશામાં જાય તો જરૃર તેનો સામનો કરે છે, તેને રોકે છે, અવાજ કરી બીજાં પક્ષીઓને બોલાવી લે છે. બાળમિત્રો ! માથે લાલ પીંછાવાળાં કાળાં પક્ષીઓને જુઓ ત્યારે તેને કાગડો ના કહેશો, મોટી ચાંચવાળું એ લક્કડખોદ છે. તેનું નામ અક્કડ હોવા છતાં એ ફક્કડ પક્ષી કુદરતની અનેરી શોભા છે.
courtesy:
https://www.gujaratsamachar.com/…/become-a-coconut-woodpeck…