Republic Day - 2019

09 October 2018

Little grebe


Little grebe : નાની ડૂબકી
 
Little grebe with it chicks

    લંબાઈ ૧૩” (૩૨ સે.મી.) ની છે. તે દુર પાણીમાં નાની જ લાગે છે. છતાં કબૂતર જેવડી છે. લાંબી ડોકને લીધે શરીર નાનું લાગે છે. માળા વખતે માથું ને ડોક ઘેરા ચોકલેટ રંગના રતુંબડા થઇ જાય છે ને તે સિવાય આછા રહે છે. ટૂંકી અણીદાર ચાંચ કાળી છે. એના મુખમાં મોફાડ પાસે સફેદ ટપકું પીળાશ પડતું હોય છે. ને ત્યાં જ લીલાશ પડતી પીળી ચાંચ છે. ચાંચની અણી સફેદ, પગ લીલાશ પડતા કાળા, પૂછડી બહુ જ ટૂંકી, પાંખો ગોલાશ પડતી હોય છે.

    પાણીમાં જ તરતી દેખાય ને ડૂબકી મારીને દૂર નીકળી જાય. ડૂબકી માર્યા કરવી એ જ એની પ્રવૃત્તિ. કાંઠેથી જોવાથી નાની બંદુકની ગોળી છૂટે એ ત્યાં પહોચે તે પહેલા જ ડૂબકીએ ડૂબકી મારી દીધી હોય એવું જણાયું છે. ડૂબકી મારીને અંદર જ માછલા, દેડકા ને બીજી જીવાતની પાછળ પડે ને પકડે. એકાદ નાના તળાવમાંયે ચાર-પાંચ તો દેખાય. નર્યું પાણીનું જ પંખી પણ જરૂર પડે ત્યારે દૂર પાણીનું સ્થળ ગોતવા સારી રીતે જોરથી એક ધારું ઉડી પણ શકે છે.

    જીવ જંતુ ઉપરાંત વનસ્પતિ પણ ખાય છે. ને માળા ચૈત્રથી આસોમાં બાંધે છે. પાણીની જ વનસ્પતિનો તરતો થર કરે ને એકાદ છોડવા સાથે બાંધે છે. ૩ થી ૫ સફેદ ઈંડા મુકે જે ગાંડી વનસ્પતિને લીધે મેલા ને ઝાંખા થઇ જાય છે.