Republic Day - 2019

25 October 2018

કાબર

Common myna :

અંગ્રેજી અને હિન્દીમાં મેના તરીકે ઓળખાતું પક્ષી જેને આપણે કાબર તરીકે જાણીએ છીએ, એનાથી સૌ પરિચિત હોય જ.
પણ એની ત્રણ પ્રજાતિ વિશે બહુ ઓછા પરિચિત હોય.
સામાન્ય લાગતા પક્ષીઓમાં પણ કેટકેટલી વિવિધતા ભરી છે. એક જિજ્ઞાશુની દ્રષ્ટિથી જોશો તો કાબર પણ રૂપાળી લાગશે.
કાબર એ સામાન્ય રીતે માનવ વસાહતોમાં જોવા મળતું એક પક્ષી છે.
કાબરનું કદ ૨૫ સે. મી. અને માથું, ગરદન અને ઉપલી છાતી પર કાળો રંગ હોય છે. બાકીના શરીરનો રંગ કથ્થઇ, જે પીઠ પર વધારે ઘેરો અને પેટાળમાં ઝાંખો હોય છે. કાબરની પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે. તેની ગોળાકાર પૂંછ્ડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે. કાબરની આંખો રાતી કથ્થઇ, ચાંચ અને નરમ બોળીયાં જે આંખ નીચે અને પાછળ આવે છે, તેનો રંગ પીળો અને પગ પણ પીળા હોય છે. નર અને માદાનો દેખાવ એટલો સમાન હોય છે કે તેને અલગ-અલગ વરતવામાં મુશ્કેલી પડે છે.
આ પક્ષી ગુજરાત તથા ભારતમાં બધાં જ સ્થળો પર ખુલ્લા વગડામાં, ખેતરોમાં તથા માનવ વસાહતોની નજીક જોવા મળે છે. દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ, દ.આફ્રીકા, ઇઝરાયેલ, ઉ.અમેરીકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને હવાઇ સહીતના દરીયાઇ ટાપૂઓ પર પણ આ પક્ષી જોવા મળે છે.
કાબર ઝાડના થડનીં બખોલમાં માળો બનાવે છે અને તેમાં સામાન્ય રીતે ૪ થી ૬ ઇંડા મૂકે છે.
કાબર સર્વભક્ષી પક્ષી છે. તે અનાજ, ફળ, જીવાત તથા માનવ વસાહતો પાસે વધ્યુંઘટ્યું એંઠવાડ પણ ખાય છે. તે ઘાસીયા મેદાનોમાંથી વિણી વિણીને જીવાત તથા ઘાસીયા જીવડાં પણ ખાય છે.
કાબરનો કર્કશ અવાજ હોય છે, સાપ કે તેવું જોખમ જોતાં ભયસૂચક બોલી બોલે છે, જેને દેશી ભાષામાં ચડાવો કહે છે, જેનાથી અન્ય પક્ષીઓ તથા માણસો પણ સાવધાન થઇ જાય છે. જો કે આ પક્ષી અન્યની બોલીની નકલ બહુ જ સારી રીતે કરી જાણે છે.