ઘણાં લોકો ઘંટી-ટાંકણાને
લક્કડખોદ કહે છે. વાસ્તવમાં બંને અલગ અલગ વર્ગના પંખી છે. ઘંટી-ટાંકણાનો રંગ ઉજળો
બદામી. પીઠ અને પાંખ ઉપર ઝીબ્રાના જેવા કાળા-ધોળા પટ્ટા. ગળું તથા છાતી આછાં
બદામી. પેટાળ ધોળાશ પડતું. લાંબી, વાંકી કોમળ ચાંચ કાળાશ પડતા રંગની. માથે બદામી
રંગની કલગી. તેમાં છેડે કાળો પટ્ટો. કલગી ઉઘાડવાસ થઇ શકે. બીડેલી હોય ત્યારે ડોક
તરફ ઢળકતી બીજી વાંકી ચાંચ લાગે. ઘંટી ટાંકનારના હથિયાર જેવો દેખાવ એ વખતે તેનો
લાગે. આથી જ તેનું નામ ઘંટી-ટાંકણો.કલગી ફેલાવે ત્યારે સરસ ગોળ પંખા જેવી થાય. ઉડીને
બેસતી વખતે થોડીવાર અચૂક કલગી ફેલાવે. ઉત્તેજિત થાય કે ગભરાય ત્યારે પણ કલગી પહોળી
કરે. પંખા જેવી આ કલગી પહોળી કરે. પંખા જેવી આ કલગી ઘંટી-ટાંકણાની શોબામાં વધારો
કરે છે. પગ ટૂંકા. પગ રાખોડી. ચાલવા દોડવા માટે અનુકૂળ. ઉતાવળમાં હોય તેમ દડવડ દડવડ
દોડે. થોડી થોડીવારે અટકી જીવડાં મેળવવા
ચાંચથી જમીન ફંફોસે. નર-માદા સરખાં.
ચોમાસું ઉતરતાં
હિમાલયના પ્રદેશો છોડી ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ જાય. ખુલ્લા, આછી
ઝાડીવાળા ખેતરાઉ પ્રદેશમાં જોવા મળે. ઘાસનું મેદાન, હરિયાળી અને ધૂળિયો ગાડા-મારગ
વધારે પસંદ કરે. ધૂળથી સ્નાન કરવાનો શોખીન. મુખ્યત્વે એકાકી. અનુકૂળ જગ્યાએ
ક્યારેક એક કરતાં વધારે જોવા મળે.
આપણે ત્યાં હોય
છે ત્યારે પ્રમાણમાં મૂંગો. અવાજ ધીમો અને કોમળ – હૂ...પો, હૂ...પો કે હુડ..હુડ.
તેના અવાજ ઉપરથી તેનું નામ અંગ્રેજીમાં હુપો અને હિન્દીમાં હુદહુદ પડ્યું છે. બોલતી
વખતે મોઢું આમતેમ ફેરવે. આથી અવાજની દિશા જલદી પકડાય નહિ.
ખોરાક જમીન ઉપરથી
મેળવે. જમીનમાં છુપાઈ રહેલી જીવાત, તેમનાં બચ્ચાં કે ઇયળોને ચીપિયા જેવી ચાંચથી
પકડી જમીનમાંથી ખેંચી કાઢે. જમીન ઉપર ફરતી ઇયળો, કીડી મકોડી કે અન્ય જીવાત પણ
પકડે. ઘંટી-ટાંકણો ખેતી માટે એ રીતે ફાયદાકારક પંખી. ઉડાન ધીમી અને ઊંચીનીચી થતી.
જમીનથી થોડે ઊંચે ઉડે. સ્વભાવે શરમાળ નથી. શાંતિથી નિરીક્ષણ કરવા દે.
- "આસપાસના પંખી"
માંથી સાભાર