પક્ષી શાસ્ત્રીઓ અને લોકોએ આ પક્ષીની કાર્યપદ્ધતિની સરખામણી એક જમાનામાં સીવણકામના સંચા અસ્તિત્વમાં ન હતા ત્યારે હાથથી ટાંકા લેતા દરજીભાઈ સાથે કરી છે. તેનું નામ પણ એટલે જ દરજીડો કે ટાશકો પાડયું છે. અંગ્રેજીમાં આ પક્ષીનું નામ ટેલર બર્ડ ( Tailor bird) છે.
તેનો ઉપરનો ભાગ લીલાશ પડતો પીળો હોય છે. નીચે પેટાળ સફેદ પડતું, કપાળ લોખંડના કાટ જેરા રસ્ટ કલરનું અને ડોક ઉપર રાખોડી ઝાંય હોય છે. ગાલની નીચે ગરદન ઉપર બંને બાજુ કાળો અર્ધકાંઠલો હોય છે. ઓકટોબર મહિના પછી પીઠના રંગ કથ્થાઈ કે ઓલિવગ્રીનમાં બદલાય છે. લાંબી પૂંછ ટુંકી થવા માંડે છે. નર-માદા દેખાવે સરખા હોય છે.
બાગ બગીચાઓમાં, વાડી-વજીફાઓમાં અને મકાનની પરસાળમાં વિના સંકોચે આવતું આ પક્ષી ભારતભરમાં નજરે પડે છે. એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર ગુંજન કરતું કરતું આનંદમાં આવી કૂદકા મારે છે અને મીઠો માદક ટ્વીટ - ટ્વીટ કે પ્રેટી - પ્રેટી - પ્રીટી અવાજ કરે છે. પાખાં જંગલોમાં વસે છે. મનુષ્ય સહવાસ પણ એને ગમે છે. હિમાલયમાં ૧૫૦૦ મીટરની ઊંચાઈ સુધી અને બાજુના પડોશી દેશો પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા અને મ્યાનમારમાં પણ વસે છે. દેખાવમાં થોડા રંગ ફરક સાથેની આ પંખીની પાંચ પ્રજાતિઓ જોવા મળે છે.સાગ, કેશુડા, આસોપાલવ કે આંબાના બેથી ચાર પાંદડા ને ઘાસ કે રેસાના ટાંકા મારી સીવીને માળો બનાવે છે. ચાંચમાં રેસા લઈને ઊડતું હોય ત્યારે પોતાના કાર્યમાં મશગૂલ રહે છસે. તેને નજીકથી પણ જોઈ શકાય છે. ઝાડી - ઝાંખર કે થોરિયાની વાડમાં પડિયા જેવો માળો ગોઠવી તેમાં રેસા, ઘાસ, વાળ, ચિંથરા વગેરેનું અસ્તર પાથરે છે. ઘણીવાર એક પાંદડાને વાળી ટાંકા લઈ માળો તૈયાર કરે છે. માળાનું પ્રવેશદ્વયાર ગોળાકારમાં હોય છે. ટાકાં બહારથી સફેદ ટપકાં કે ત્રુટક રેખાઓ જેવા દેખાય છે. દરજીડાના પ્રજનન કાળ મે થી ઓકટોબર દરમિયાન હોય છે. ૩-૪ ઈંડા મૂકે છે. ઈંડા લાલાશ પડતા કે વાદળી પડતાં સફેદ અને ઉપર કથ્થાઈ, લાલ રંગના છાંટણા હોય છે.
ખોરાકમાં નાના જીવજંતુઓકે પાંડરવા, શીમળો વગેરે વૃક્ષોનાં ફૂલોનો મધુરસ આરોગે છે.
આ દરજીડાને જોવો હોય તો ઝાડી - ઘટામાં કયારે નજરે ચડી જાય, પણ એને જોવા માટે જોઈએ શાંત વાતાવરણ અને શાર્પ નજર.
માહિતી સાભાર : ડૉ. અશોક કોઠારી