Republic Day - 2019

27 December 2019

ખેરખટ્ટો

Rufous tree pie (ખેરખટ્ટો)


        ખેરખટ્ટો ભારતીય ઉપખંડમાં જોવા મળતું કાગડા કુળનું એક પક્ષી છે. પક્ષી એકલું કે જોડીમાં ફરતું જોવા મળે છે, કદીય ટોળામાં ફરતું નથી. તેનો અવાજ ઘડીકમાં મીઠો તો ઘડીકમાં કર્કશ સંભળાય છે.
       કાગડા કુળનાં પંખીઓમાં પક્ષી સૌથી આકર્ષક દેખાવ ધરાવે છે. તે રંગ અને રૂપથી દેખાવડો હોય છે. તેનું માથું, ડોક, ગળું, તથા છાતી ધૂમાડીયા કાળા રંગનાં અને બાકીનું શરીર કથ્થાઈ હોય છે. તેની પાંખ પર મોટું ધોળું ધાબું અને બાજુનો બાકીનો ભાગ કાળો હોય છે. તેની લાંબા કદની પૂંછડીના ઉપરના ભાગે રાખોડી રંગ અને છેડા પર કાળા રંગની પટ્ટી હોય છે. તેની ચાંચ નાની અને સહેજ વળેલી હોય છે. પગ ભૂખરા રંગના હોય છે. પક્ષી દેખાવમાં નર અને માદા સરખાં હોય છે.
               ખેરખટ્ટો બગીચા, જંગલ, ઝાડી ઉપરાંત ગામમાં મોટાં વૃક્ષો પર માર્ચ મહીનાથી શરૂ કરીને મે-જૂન સુધીમાં પોતાનો માળો બનાવે છે. તેનો માળો ઉંચા વૃક્ષ પર બેલાખામાં હોય છે. તેના ઈંડાનો રંગ લીલાશ પડતો હોય છે અને એના પર રાખોડી કથ્થાઈ છાંટણા હોય છે.
            કાગડાની જેમ ખોરાક તરીકે સર્વભક્ષી, ફળો, જીવડાં, ઈંડાં, નાના પક્ષીઓનાં બચ્ચાં, ઉંદર વગેરે બધું ખાય છે. ખોરાકથી ધરાઈ ગયા પછી વધુ ખોરાક ઝાડની કે મકાનની બખોલમાં છુપાવે છે.