Brown-breasted
flycatcher (કથ્થાઈ છાતી માખીમાર)
અંગ્રેજીમાં ‘ફ્લાઈકેચર’
તરીકે ઓળખાતા દસ જાતનાં માખીમાર પંખીઓ ગુજરાતમાં જોવા મળે છે. આમાંથી પાંચ (અધરંગ,
નાચણ, ટપકીલી નાચણ, નીલપંખો અને દૂધરાજ) આપણાં સ્થાનિક રહેવાસી. બાકીનાં પાંચ
શિયાળામાં બહારથી અહીં આવે.
બધાં માખીમાર
પંખીઓનો મુખ્ય ખોરાક હવામાં ઉડતી જીવાત. ઝાડની ડાળીઓમાં છાંયે બેસી જીવાત માટે નજર
રાખ્યા કરે. ઝડપથી આમતેમ જલદી દિશાફેર કરી ઉડતી ઝીણી જીવાતને પકડીને ખાનાર, નજરના
તીક્ષ્ણ અને રીતભાતના ચપળ ન હોય તો તે કેમ ચાલે? હવામાં જીવડું જોતાં જ ગોફણમાંથી
પાણો છૂટે એમ તેની પાછળ પડીને પકડે. બધાં માખીમાર મુખ્યત્વે વનરાજી, વનઉપવન અને
બાગબગીચાના પંખી. સમુહચારી નથી .છૂટક છૂટક એક-બે
જુદાં જુદાં વૃક્ષોમાં ફરતાં રહે. વૃક્ષોની અંદરનાં ડાળી-પાંદડામાં ઉડતાં
કે રહેતાં જીવડાંને પણ ખાય. લાંબો વખત એક જગ્યાએ બેસી ન રહે. આ ડાળ પેલી ડાળ ઉડતાં
રહે. કોઈ પણ માંખીમારનું નિરીક્ષણ કરતાં કંટાળો ન આવે એવી તેમની જીવનચર્યા છે. આ
પંખીઓની એક વિશેષતા : ચાંચ પાસે વાળ જેવા કડક સીધા નાનાં પીંછાં તેમને હોય છે.
સાભાર : લાલસિંહ
રાઓલ (વન ઉપવનના પંખી)