Republic Day - 2019

03 December 2019

જાંબલી શક્કરખોરો

ફુલોનો રસ પીનાર પંખી - જાંબલી શક્કરખોરો
 
આ સુંદર પક્ષી સર્વસામાન્ય આપણે બધાએ જોયું છે. કદમાં ચકલીથી થોડું નાનું હોય છે. પ્રજનનકાળમાં નર પક્ષી ઝગમગતા ઘેરા વાદળી અને જાંબલી રંગનું હોય છે. પડખાં ઉપર પીળા અને લાલ નાનાં ફૂમતાં હોય છે. દૂરથી આ પક્ષી શ્યામ રંગનું ભાસે છે. પ્રજનનકાળ સિવાયનાં સમયમાં નર-માદા સરખાં દેખાય છે. તે સમયે ઉપરનાં ભાગમાં કથ્થાઇ અને ઓલિવગ્રીન હોય છે. નીચે પીળો રંગ હોય છે. પાંખો ઘેરા રંગની હોય છે. છાતીની વચ્ચે કાળો પટ્ટો હોય છે. સમગ્ર ભારત, બંગલાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર અને શ્રીલંકામાં વસે છે. બાગબગીચા, આછાં પાંખાં જંગલોમાં ઊડાઊડ કરતાં હોય છે.
આહારમાં જીવડાં, કરોળિયા અને ખાસ કરીને પુષ્પોનો રસ ચૂસે છે. પાતળી વક્ર ચાંચ અને ભૂંગળી જેવી જીભ પુષ્પોને અમૃતરસ ચૂસવામાં મદદ કરે છે. પુષ્પોની પરાગ બીજા વૃક્ષ ઉપર પહોંચાડી સંકરણ પરાગણમાં મદદ કરે છે. ઊડાઊડ કરતાં કરતાં તીણો ‘વીચ-વીચ’ અવાજ કરે છે. પ્રજનનકાળ દરમ્યાન સંગીતમય ચીવીટ, ચીવીટ, સંભળાવે છે. ત્યારે પાંખો ઊંચી નીચી કરે છે. સામાન્ય રીતે માર્ચથી મે દરમ્યાન પ્રજનન કરે છે. લંબગોળ માળો કુમળા ઘાસમાંથી બનાવેલો હોય છે. ડાળી ઉપરથી લટકે છે. એકબાજુ એ આવેલ પ્રવેશદ્વારની આજુબાજુ ઝરૂખા જેવી રચના હોય છે. માળામાં ૨-૩, રાખોડી પડતાં સફેદ કે લીલાશ પડતાં સફેદ ઇંડાં મૂકે છે. ઉપર આછાં ઘેરા કથ્થાઇ યાને રાખોડી રંગનાં ધાબાં હોય છે.
માહિતી : ડૉ. અશોક એસ. કોઠારી