Republic Day - 2019

02 December 2019

Flamingo


મોટો હંજ (Greater Flamingo)


પક્ષીની ઊંચાઇ લગભગ ૧૨૫ સેન્ટિમીટર છે. લાંબા ગુલાબી પગ, લાંબી ડોક, રંગે સફેદ અને તેમાં ગુલાબી ઝાંય, અને વચ્ચેથી નીચે વળેલી ગુલાબી પુષ્ટ ચાંચ ખાસ નિશાનીઓ છે. નર- માદાના દેખાવમાં સામ્ય છે. ઉડ્ડયન વખત ગરદન અને લાંબા પગ આગળપાછળ પસારે છે. તે સમયે કાળી કિનારીવાળી લાલ-ગુલાબી પાંખોથી સહેલાઇથી ઓળખી શકાય છે. નાના મોટા સમૂહોમાં કાદવ કીચડમાં, દરિયાની ભરતીથી થતાં કાંપના થર અને છીછરા પાણીનાં તળાવોમાં તેમનો પડાવ હોય છે. છીછરા પાણીમાં ખોરાકની શોધ કરે છે ત્યારે બે પગ વચ્ચે માથું નીચું નમાવી પાણીમાં સંપૂર્ણ ડૂબાડી દે છે. ચાંચને ઊંધી કરી જમીન ખોતરે છે. ડહોળું પાણી ઉપરના જડબામાં એકઠું કરે છે. માંસપેશીઓવાળી જીભથી પાણીમાંના ખોરકનાં તત્ત્વો ગાળીને આરોગે છે. બાકીનો કચરો ફેંકી દે છે. ટોળાંઆકારમાં કે એક હારમાં ઊડે છે. ખોરાકમાં કરચલા, જીવજંતુઓ, પાણીની વનસ્પતિનાં બિયાં, શેવાળ વગેરે આરોગે છે. પક્ષીઓ ઘોઘરો અવાજ કાઢે છે.

પ્રજનન-કચ્છના મોટા રણમાં છીછરા પાણીવાળી જમીન ઉપર માળા હોય છે. સપ્ટેમ્બર, ઓકટોબર અને ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી પ્રજનન કરે છે. તેમના માળા માટીના શંકુ આકારનાં ૧૫-૩૦ સેમી ઊંચા હોય છે. સૂર્યના તાપથી શેકાયેલા હોય છે. ટોચ ઉપર સહેદ ખાડો હોય છે. થી ઇંડાં, વાદળી પડતાં સફેદ હોય છે. કચ્છના સૂરખાબ નગરમાં લગભગ ૧૯૦૦ની સાલમાં કચ્છના મહારાવે માળા શોધી કાઢયા. ત્યાર પછી ડૉ. સલીમ અલી જગ્યાની મુલાકાત લેતા હતા.
ડૉ. અશોક એસ. કોઠારી