નીલગાય સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળે છે. તેઓ મોટાભાગે ખેતરોને નુકસાન કરતી હોવાથી તે ખેડૂતોના દુશ્મન સમાન હોય છે. નીલ ગાયને રોજડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નીલગાય સૌથી વધુ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. ભારતમાં તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર જેવાં રાજ્યોમાં પણ જોવા મળી રહે છે. નીલગાયને હરણની પ્રજાતિનું પ્રાણી ગણવામાં આવે છે.
નીલગાય એક સસ્તન પ્રાણી છે. તે દેખાવમાં ગાય જેવું હોય છે, જોકે તેમનું શરીર નીલા રંગનું હોય છે. આ કારણે આ પ્રાણીને નીલગાય કહે છે. નીલગાય ખૂબ જ ઓછી માત્રામાં પાણી પીવે છે. તે પાણી વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે. આ કારણે તે ખેતરો ઉપરાંત રેતાળ પ્રદેશમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનું શરીર ઘોડા જેવું હોય છે. પુખ્ત નીલગાયની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી હોય છે તેમજ તેની લંબાઈ છ ફૂટ કરતાં પણ વધારે હોય છે. નર નીલગાય માદા કરતાં શરીરમાં વધારે વજનદાર હોય છે. નર નીલગાયનું વજન ૨૫૦ કિલોગ્રામ જેટલું હોય છે, જ્યારે માદાનું વજન ૨૧૫ કિલોગ્રામ જેટલું હોય છે. નીલગાયના રંગને કારણે જ તેને નીલગાય નામ આપવામાં આવ્યું છે પણ માદા નીલગાયનો રંગ બદામી જેવા રંગનો હોય છે. તેમના આગળના બે પગ પાછળના બે પગ કરતાં લાંબા હોય છે અને આ કારણે જ તે ઘોડાની જેમ ઝડપથી દોડી શકે છે. નર નીલગાયની ગરદન પર સફેદ વાળનો ગુચ્છો હોય છે તેમજ તેની ગરદન લાંબી અને મજબૂત હોય છે. નર અને માદા નીલગાય તેમના શિંગડાંના કારણે પણ એકબીજાથી અલગ પડે છે. નર નીલગાયના માથા પર નાનાં શિંગડાં હોય છે. તેમની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે. આ ઉપરાંત તેમની આંખો દૂર સુધી શિકારી પ્રાણીને જોઈ શકે છે. જોકે તેમની સાંભળવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. નીલગાય સામાન્ય રીતે શાંત પ્રાણી છે. તે એક શાકાહારી પ્રાણી છે. તેનો મુખ્ય ખોરાક ઘાસ છે. આ ઉપરાંત તેઓ પાંદડાં, ફૂલ, ફળ અને ખેતરના પાકને પણ આરોગે છે.
આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ માદા નીલગાય બચ્ચાને જન્મ આપે છે. તે એક સમયમાં એકથી ત્રણ જેટલાં બચ્ચાંને જન્મ આપે છે. જન્મના થોડા સમયમાં જ બચ્ચાં પોતાના પગ પર ઊભા થઈ જાય છે.
નીલગાય મોટાભાગે ઝુંડમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક નર નીલગાય એકલી ફરતી જોવા મળી રહે છે. માદા નીલગાય ક્યારેક ભેંસની જેમ ભાંભરે છે અને નર નીલગાય ઝઘડો કરે ત્યારે જોરજોરથી ચીસો પાડે છે. નીલગાયનો આયુષ્યકાળ બારથી પંદર વર્ષ જેટલો હોય છે.
સાભાર : નીરવ દેસાઈ
http://sandesh.com/eucalyptus-front-two-foot-back/