Gray-headed Canary Flycatcher (તરવરિયો માખીમાર)
ઘણાખરા માખીમાર પંખીઓની રીતભાત
એવી કે સહેજે આપણાં લાડકાં બની જાય. દૂધરાજ, અધરંગ હરીતનીલ અને નીલપંખો પોતાની સુંદરતા
અને વર્ણછટાને લીધે આકર્ષે. નાચણ પોતાના નાચગાનથી મન મોહી લે. તો તરવરિયો માખીમાર
પોતાના તરવરાટ અને સ્ફૂર્તિથી આપણો માનીતો બની જાય. વધારામાં રંગે પણ તે રૂપાળો
છે. આપણે ત્યાના માખીમાંરોમાં કદમાં તે સૌથી નાનો. દેહ ભલે છોટો પણ ચૈતન્યનો
ફુવારો.
તેની શિકાર પ્રવૃત્તિ
અવિરત ચાલું હોય. ઝાડની અંદરની ડાળીએ બેસે અને ડાળીઓ અથ પાંદડામાં ઉડતી જીવાતને
ચપળતાથી ઉડીને પકડી લે. એક જીવડું પકડીને બેઠો ન બેઠો કે તરત બીજાની પાછળ. આપણને
થાય, હવે થોડો આરામ કરશે. પણ ના, આરામ કરે તે બીજાં. તરત ત્રીજા જીવડાની પાછળ.
પકડી પાછો ડાળીએ આવી જાય. શિકારની
રાહમાં સહેજવાર બેઠો હોય ત્યારેય માથું
આમતેમ હલાવતો હલાવતો ચકોર નજરે જોતો રહે. સ્થિર ભાગ્યે જ બેસે. આખો દિવસ આ ક્રમ
ચાલતો રહે. સ્વભાવે થોડો બોલકો. ગાયક નથી પણ બોલી મીઠી. સાંભળો તો તેને જોવાનું
કુતુહલ થાય. નયનાભિરામ ની જેમ કર્ણાભિરામ પણ ખરો. આપણા યાયાવર માખીમાંરોમાં એ રીતે
થોડો વિશિષ્ઠ. અહીં હોય ત્યારે એકલવિહારી. ગાતો જાય અને શિકાર માટે જાત જાતની ઉડાન કરતો જાય. અવાજ ઓળખતા
આવડી જાય તો વગર જોયે તેની હાજરીનો ખ્યાલ આવે. અવાજ સાંભળી ઝાડમાં જરા નજર ફેરવો.
શોધતાં ખાસ મુશ્કેલી નહિ પડે. જીવડું પકડવા ઉડતો તરત જોવા મળી જશે.
શરમાળ નથી એટલે થોડે દૂર
ઉભા રહી શાંતિથી તમે નિરીક્ષણ કરો તેમાં તેને બિલકુલ વાંધો નથી. તમે તમારું કામ
કરો તે તેનું કામ કરશે.
તરવરીયા માંખીમાંરનું માથું,
ડોક, ગળું અને છાતી રાખોડી. માથા ઉપનો તે રંગ જરા ઘેરો. પીઠ પીળચટ લીલી. કેડ પીળી.
પેટ ઉજળું પીળું. પાંખો અને પૂંછડી બદામી. પૂંછડીની ધાર પીળા રંગની. ચાંચ બદામી.
પગ પીળચટા બદામી. નર-માદા સરખાં. બેસવાની અદા સીધી ટટ્ટાર, સામાન્ય રીતે એકલો જોવા
મળે. સમગ્ર હિમાલય, આસામ, બાંગલાદેશ, સાતપુડા અને પૂર્વ ઘાટનો થોડો વિસ્તાર એ
તેનું વતન.
શિયાળું મુલાકાતી. ઓછો
વ્યાપક.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ