દિવાળીઘોડો અથવા ધોબીડો
અંગ્રેજી નામ : white-browed wagtail or large pied wagtail
કદ : ર1 સે.મી.
લાક્ષણિકતા : તમામ દિવાળીઘોડામાં સ્થાયી નિવાસી એકમાત્ર આ મોટો કાબરો દિવાળીઘોડો અથવા ધોબીડો. તેની જાતનાં બધા પંખીઓમાં તે સૌથી મોટો. દૈયડને મળતો આવે. પણ પૂંછડી નીચે રાખે, દૈયડ જેમ ઉંચી નહી. આંખ પર ભ્રમર વળી દેહે પાતળિયો, ધોબીડો સામાન્ય રીતે જળાશયો ખાસ કરીને વહેતા ઝરાનાં પથરાળ-ખડકાળ કિનારાનો શોખીન. માનવવસતિમાં પણ નિર્ભય બની વિહરે. દોડતો – ઉડતો જીવાત પકડતો રહે. જાતજાતનાં મધુર સ્વર કાઢે. નામ પ્રમાણે પૂંછડી ઉપર – નીચે હલાવ્યા કરે. એકલ – દોકલ કે નાના સમૂહમાં વિહરે. પ્રફુલ્લીત – ઉત્સાહીત પંખી. ઉડાન ઝોકવાળી, ઉંચી-નીચી.
ઓળખ : માથું, પીઠ, ડોક, ઉપલી છાતી, પુંછડી, કાળા – પાંખનાં પીંછાંની કિનાર સફેદ. પૂંછડીનાં બહારનાં પીંછા સફેદ. આંખ પર સફેદ નેણ, છાંતી, પેટાળ, પેડું સફેદ, ચાંચ – પગ કાળા, માદા રંગે ઝાંખી, કાળાને બદલે રાખોડી રંગ, નીચેનો સફેદ રંગ પણ ફિકકો. એકવડિયા બાંધાનું પાતળુ, લાંબુ પંખી.
ખોરાક : જીવડાં, કરોળિયા વગેરે.
અવાજ : સામાન્ય રીતે ઉડે ત્યારે ભચીઝ-ઝીટભ જેવો ઉચ્ચાર કરે, ઘણા અવાજે મધુર મોટી સિસોટી વગાડે.
પ્રજનનઋતુમાં નર મકાનનાં છાપરાં કે ખડક પર બેસી દૈયડનાં અવાજને મળતી સિસોટી વગાડે.
માળો : પ્રજનનકાળ માર્ચથી સપ્ટેમ્બર, પાણી કાંઠે, પથ્થર નીચે, છાપરા નીચે કે ભૂંગળામાં સૂકા ઘાંસ, મૂળિયા, રેસા, સૂકી લીલ, વાળ વગેરેનો ગોળ દડા જેવો માળો બનાવી તેમાં રાખોડી, લીલા – સફેદ 3 થી 4 ઈંડા મૂકે. તે પર ભૂખરી છાંટ.
Source: Amreli News