Republic Day - 2019

25 January 2020

Little grebe


Little grebe : નાની ડૂબકી
નાનાં મોટાં તળાવ કે સરોવરના કિનારે કોઈવાર ફરવા જાવ છો? ઘણાં ખરા જળાશયોમાં કે તેનાં કિનારે કોઈને કોઈ પંખી હોવાના. કાળાશપડતા રંગનું, ગોળમટોળ શરીરવાળું, નહિ જેવી પૂંછડીવાળું, કહો કે લગભગ બાંડું એવું નાનું પંખી પાણી ઉપર તરતું તમારી નજરે કોઈવાર ચડ્યું હશે. તમારી નજર જરા આઘીપાછી થાય એટલામાં ડૂબકી મરી તે અલોપ થઇ જાય. તમને નવાઈ લાગે કે પેલું પંખી ગયું ક્યાં? પણ થોડીવારમાં જ  જર દૂર તે અચાનક બહાર નીકળે. આ પંખી ભાગ્યે જ એકલું હોય. આસપાસ બીજાં એક બે તરતાં હોય. ટીરીરીરીરી ... એવો, થોડો મીઠો લાગે તેવો તેનો અવાજ. એક બોલે એટલે બીજું સાથીદાર પંખી ઘણીવાર તે ઉપડી લે. આ પંખીઓ તરતાં જાય અને વારંવાર ડૂબકી મારતા જાય. બધો વખત આમ ચાલ્યા કરે. આ પંખીનું નામ છે નાની ડૂબકી. વહેતી નદીઓમાં કે સાગરકિનારે ન દેખાય. બાકી નાનાં મોત તળાવડાથી માંડી મોટાં જળાશયો સુધી તેની વસતી. તેનાં વિના ખાલી હોય એવાં જળાશય ઓછાં. અનુકૂળ સ્થળોએ તે વધારે સંખ્યામાં જોવા મળે.
વારંવાર ડૂબકી માર્યા કરે એટલે તેનું  નામ પડ્યું ડૂબકી. તરવામાં પણ હોંશિયાર. ઉડવું હોય ત્યારે થોડા અંતર સુધી પાંખો ફફડાવતી પાણી ઉપર ઝડપથી દોડે. અને પછી હવામાં ચડી ઉડી શકે. તેની પાંખો સાવ નાની, એટલે બહુ ઝડપથી તેને વીંજવી પડે. ન છુટકે ઉડે. જોખમ જેવું લાગે તો ડૂબકી મરી ભાગી નીકળવું વધારે પસંદ કરે. પણ જરૂર પડ્યે લાંબા અંતર સુધી ઉડી શકે. અછતના વરસોમાં તળાવ સુકાઈ જાય ત્યારે દૂર દૂરના મોત જળાશયો સુધી ઉડીને પહોંચી જાય.
ઉનાળા ચોમાસામાં તેનો દેખાવ થોડો આકર્ષક બને. તે વખતે તેનો ઉપરનો ભાગ કથ્થાઈ, માથું વધારે ઘેરું. ગાલ, ગળું અને ડોક રતાશપડતાં નારંગી. પેટાળ રાખોડી સફેદ. પડખાં મેલા કથ્થાઈ, શિયાળામાં આ રંગ ઝાંખા થાય. ઉપરનો કથ્થાઈ રંગ મેલા જેવો થઇ જાય. દાઢી મેલી ધોળી, ડોક આછી બદામી અને પેટાળ ધોળાશ પડતું. નાની ડૂબકી ઉડે ત્યારે પાંખમાં સફેદ ડાઘ દેખાય. ચાંચ કાળી અને અણીદાર, તેના મૂળ આસપાસ મોઢા ઉપર લીલાશ પડતો પીળો રંગ. શરીરના પાછલા ભાગે આવેલા પગ કાળા. જમીન ઉપરની ચાલ સાવ કઢંગી. નર-માદા દેખાવે સરખાં.
ખોરાક માછલી, દેડકાં, તેમનાં બચ્ચાં અને પાણીની બીજી જીવાત.
સ્થાનિક પંખી. અનુકૂળ જળાશયો ઉપર બારેમાસ દેખાય.
પાણીમાંની વનસ્પતિથી પાણીમાં તરતો માળો બાંધે. કોહવાયેલા ઘાસનો કચરો પાણીમાં પડ્યો હોય એવો તે માળો લાગે. આથી તે એકદમ ખ્યાલમાં ન આવે અને નજરે ન ચડે.  
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ