Republic Day - 2019

15 January 2020

કાળી કાંકણસાર

કાળી કાંકણસાર  ( Red-naped ibis)

ત્રણ જાતની કાંકણસારમાં કાળી કાંકણસાર વધારે વ્યાપક પંખી છે. ઠીક ઠીક લાંબી ડોક. રંગે કાળી. માથાની ચામડી પીંછાં વિનાની અને લાલ મસાવાળી આખું શરીર કાળું. સૂર્યપ્રકાશમાં તેમાં વાદળી અને જાંબલી ઝાંય દેખાય. ખભા પાસે મોટો સફેદ ડાઘ. પગ ગુલાબી અને થોડા લાંબા. બચ્ચાં બદામી રંગનાં, તેમનાં માથા પરનો લાલ રંગ નજીવો. નર-માદા સરખા. અવાજ દૂર સંભળાય તેવો મોટો. ઊંચા વૃક્ષોમાં આરામ કરતી હોય ત્યારે ત્યાં બેઠી બેઠી બોલે. પ્રજનન ઋતુમાં બોલવાનું પ્રમાણ વધારે.
જીવડાં, ગરોળી, કાંચિડા, અનાજ વગેરે તેનો ખોરાક. તે માટે ઉકરડા ફંફોસે અને ખેતર-પાદરમાં ફરે. ચરતાં ઢોરના ચાલવાથી ગભરાઈ આઘા પાછા થતા જીવડાં પકડવા માટે તેમની સાથે ફરતી ઘણી વખત જોવા મળે. બગલાના વર્ગનું પંખી, પણ પાણી કાંઠાથી દૂર ખોરાકની શોધમાં રખડતું રહે. જળાશયો તથા નદીઓના કિનારે તેમ જ સાગર કાંઠે પણ ખોરાક મેળવી શકે. બપોરના સમયે હવામાં ઊંચે ચક્કરમાં ઉડવાનો તેને શોખ છે. સ્વભાવે ડરપોક નથી, એટલે માણસો અને પશુઓની અવરજવર વચ્ચે શાંતિથી ખોરાક શોધ્યા કરે. લાકડી લઈને ચાલ્યા જતા ડોસા જેવી ગંભીર ચાલ.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ