કુદરતનું લાડકું પંખી દૂધરાજ (Asian Paradise Flycatcher )
જોતાંવેંત ગમી જાય તેવું આપણું કોઈ પંખી ખરું ? હા, પુખ્ત નર દૂધરાજ. આકૃતિ, સૌષ્ઠવ અને લાવણ્યમાં તે અજોડ. “રંગે રૂડો રૂપે પુરો, દીસતો કોડીલો કોડામણો” એ નરસિંહ મહેતાના શબ્દોને તે સાર્થક કરે.
શ્વેત અને શ્યામ એમ બે તેનાં રંગ. માથું, ડોક અને ગળું કાળાં. પાંખમાં અને શરીરે થોડી કાળી રેખાઓ. માથે સીધી કાળી કલગી. બાકીનું આખું શરીર સફેદ. પૂંછડી વચ્ચેથી નીકળતાં પચાસેક સેન્ટીમીટર લાંબા બે પીંછાથી તેની શોભા ઓર વધે છે. માદાની ડોક અને કલગી નરની જેમ કાળા. ગળું અને ગાલ આછા રાખોડી. પેટાળ સફેદ. માદાની પૂંછડીમાં વધારાના બે લાંબા પીંછાં નથી હોતાં. નર બચ્ચાંની ઉંમર સાથે પૂંછડીના બે પીંછાં વધવા માંડે, પણ રંગ માળાનો રહે. ચાર વરસનો થાય ત્યારે તેનું માથા સિવાયનું આખું શરીર સફેદ બને.
દૂધરાજની આકૃતિ જેટલી શ્રીસંપન્ન તેટલી જ મોહક તેની દિનચર્યા. બાગબગીચા, વૃક્ષ ઘટાઓ અને ઘેઘૂર વનરાજી તેનાં નિવાસ સ્થાન. ઉડતી જીવાત તેનો ખોરાક. પતરંગા કે કાળિયા કોશીની જેમ ઝાડની આગળ પડતી ડાળીએ નહિ, પણ અંદરની ડાળીએ સીધો ટટ્ટાર બેસી આસપાસ જોયા કરે. જીવડું દેખાય કે તરત જ તેની પાછળ. જીવાત પકડવા આડી અવળી લોંકી ખાતો ચપળતાથી ઉડી તેને પકડી લે. એ વખતની તેની ચારુતાપૂર્ણ ઉડ્ડયનછટા આપણું મન મોહી લે. લાંબી પૂંછડી હવામાં ફરફરતી હોય એવી તેની ઉડાન જોયા કરીએ એમ થાય. જીવડાં પકડવા આ ડાળ, પેલી ડાળ કે એક ઝાડથી બીજે ઝાડ કમનીયતાથી અને સ્ફૂર્તિથી ઉડતો રહે. પાણીનાં મોજાં માફક ઉંચી નીચી થતી ઉડાનથી તેની મોહકતા વધી જાય. કી...ઈ...ઈ...ક એવો ધીમો કર્કશ તેનો અવાજ, પણ પ્રજનન ઋતુમાં તેનું ગાન સાંભળવું ગમે તેવું મીઠું. નિવાસી પંખી ખરું, પણ ઋતુ પ્રમાણે સ્થાનિક મુસાફરી કરે. શિયાળામાં હિમાલયથી પણ દૂધરાજ આપણે ત્યાં આવતા હોય ખરા. આકર્ષક અને સુકુમાર દેહલાલિત્ય ધરાવતું કુદરતનું લાડકું પંખી. એકવાર સરખાયે તમારી નજરે પાડે તો તમારું પણ લાડકું બની જતાં વાર ન લાગે.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ