મેન્ગ્રોવ વનસ્પતિ એક સમુહને દર્શાવે છે જેની ખાસિયતોથી પરિચિત થવું રસપ્રદ બની રહેશે.
તટીય વિસ્તારમાં અત્યંત ખારાશ હોવાથી અન્ય વનસ્પતિ ઉગી શકતી નથી પરંતુ મેન્ગ્રોવ પ્રકારની વનસ્પતિમાં દરિયાઈ ખારાશ સામે ટકી શકવાની અદભૂત ક્ષમતા રહેલી છે. ખરેખર તો આ વનસ્પતિ કીચડવાળા વિસ્તારને જ પસંદ કરે છે અને જે વિસ્તારમાં ભરતી અને ઓટના પાણી ફરી વળતા હોય ત્યાં જ ઉગે છે.
ગુજરાતમાં આ વનસ્પતિ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. કચ્છ અને ખંભાતના અખાત વિસ્તારમાં બહોળા પ્રમાણમાં મેન્ગ્રોવના જંગલ જોવા મળે છે. કચ્છમાં મેન્ગ્રોવને ‘ચેરીયાં’ તરીકે ઓળખવામાં આવે છે જયારે ખંભાતના અખાતની આસપાસના વિસ્તારો જેવાં કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘તંવર’ કે ‘તમ્મર’ નામ પ્રચલિત છે.
ચેરનું લાકડું અને પાન ઇંધણ અને ચારા તરીકે ઉપયોગી છે. કચ્છમાં છાશવારે પડતા દુષ્કાળના વરસોમાં જયારે ઘાસની કારમી અછત વરતાય ત્યારે ઢોર-ઢાંખર ચેરના વૃક્ષના પાન પર નભતા હોય છે. ખાસ કરીને ઊંટ માટે ચેરનો પાલો આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
દરિયાઈ ખારાશને શોષીને પાનમાં રહેલી ખાસ પ્રકારની ગ્રંથીઓ વાટે ખારાશને દુર કરવાની ક્ષમતા ચેરમાં અલ્પાંશે જોવા મળે છે.
ચેરના (શ્વસન)મૂળ જમીનની બહાર ઉગી નીકળતા જોવામાં આવે છે. આ મૂળિયાં વનસ્પતિ માટે જરૂરી શ્વસન પ્રક્રિયામાં મદદ કરે છે તેમ જ થડના નીચેના ભાગમાંથી ફૂટી નીકળતા મૂળ ચેરના વૃક્ષને ટેકો આપવા જેવી અગત્યની ભૂમિકા પણ નિભાવે છે.
http://webgurjari.in/2018/06/29/the-challenges-of-the-environment_12/