Bay-backed shrike : પચનક /મટીયો લટોરો
આછા પાંખા વન
વગડાનાં પક્ષી લટોરા વિશે જાણીએ. ઘણીવાર ગામની બહાર તાર કે વાડ ઉપર બેસેલા જોવા
મળે છે. કાબર જેવા કદનાં કે જરી નાના આ પક્ષીઓ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાં અને ભારતભરનાં ગ્રામ્ય પ્રદેશમાં દેખાય
છે. સર્જનહારે કાળા, ધોળા, ભૂરા અને મટોડિયા રંગમાં તેમને ચીતર્યા છે. પૂંછ લાંબી અને
ચડ ઊતર પીંછા વાળી હોય છે. આંખની આરપાર, આગળ-પાછળ કાળા રંગનું
લાંછન હોય છે. આ ખાસ ચિહ્ન છે ચાંચ આગળથી આંકડાની જેમ વળેલી હોય છે. ડાળી ઉપર બેસી
જીવડું જોતાંજ ત્રાટકે છે. ખવાય તેટલું ખાઇને બાકીનું વાડનાં કાંટામાં પરોવી રાખે
છે. લટોરાનું અંગ્રેજી પ્રચલિત નામ શ્રાઈક (Shrike) છે. હવે આપણે આ કુળનાં
પક્ષીઓ વિશે કંઈક વધુ જાણીએ.
બે બેક્ડ શ્રાઈક
(Bay-backed shrike) લટોરાઓમાં સૌથી નાનું, બુલબુલ જેવડું પક્ષી છે. છેડેથી
આંકડાવાળી કાળી ચાંચ, રાખોડી-રૂપેરી માથું, કપાળથી આંખો સુધી અને પાછળ જતો પહોળો કાળો પટ્ટો, લાલાશ પડતી છીંકણી રંગની પીઠ વગેરે ખાસ નિશાનીઓ છે. પેટાળ
સફેદ હોય છે. પૂંછ સફેદ-કાળા રંગની ચડ ઊતર પીંછા વાળી હોય છે. કેડ સફેદ હોય છે. વન
વગડા બાવળનાં જંગલોમાં રહે છે. પાકિસ્તાન અને ભારતભરમાં રહે છે. ઇશાન ભારતમાં
ભાગ્યેજ દેખા દે છે. બંગલાદેશ, મ્યાનમાર અને શ્રીલંકામાં
પણ વસતા નથી. ગાઢ જંગલો અને રણ પ્રદેશથી દૂર રહે છે. નર-માદા દેખાવે સરખાં હોય છે.
ડાળી કે વાડ ઉપર એકલું પક્ષી બેસેલું જોવામાં આવે છે.
મીઠા અવાજે સંગીત
પીરસે છે. બીજા પક્ષીઓનાં અવાજની નકલ પણ કરે છે. વિજય ગુપ્ત મૌર્ય લખે છે કે, ‘પચનક લટોરાનાં પાંચ રંગની સજાવટ તમે નજરે જાુઓ, તેની ઘાંટીલી નાની કાયા જાુઓ અને તેની સોહામણી રીતભાત અને
લટુડા પટુડા કરતી મીઠી બોલી સાંભળો તો તમને એ પંખી પાળવાનું મન થઇ જાય એવું
લોભામણું છે.’
પ્રજનનકાળ
એપ્રિલથી સપ્ટેમ્બર (ખાસ જૂન-જુલાઈ) છે. ઘાસ,
રૂ, પીંછા વગેરેનો પ્યાલા જેવો માળો બનાવી તેમાં દૂધિયા લટોરા
જેવાં પણ કદમાં નાના ઇંડા મૂકે છે.
સૌજન્ય : ડૉ. અશોક એસ. કોઠારી