Northern shoveller : ગયણો
પરદેશી બતકોમાં ગયણો
જલદી ઓળખી શકાય. બધી બતકો કરતાં તેની ચાંચનો આકાર જુદો. બીજી બતકોની ચાંચ છેડેથી થોડી
સાંકડી અને મૂળમાં પહોળી. ગયણાની ચાંચ મૂળ કરતાં છેડે વધારે પહોળી. શિયાળો અડધો
જતાં ગયણાના નરનો ભભકો વધી જાય. તે વખતે
તેનું માથું અને આખી ડોક ઘેરા ચળકતા લીલા રંગનાં થઇ જાય. ખભા પાસે આછો વાદળી
ડાઘ. છાતી એકદમ સફેદ. પાંખમાંના લીલા આડા પટાની આગળ પાછળ સફેદ પાતળા ઉભા પટા.
પેટાળ અને પડખાં કથ્થાઈ. ઢીંઢું ઘેરું લીલું. પૂંછડીના મૂળ પાસે બંને પડખે સફેદ
ધાબાં. પીઠ કાળાશ પડતી બદામી. ચાંચ કાળી. પગ નારંગી.
માદાનું શરીર
ઘેરા અને આછા બદામી ડાઘવાળું. ખભા પાસે રાખોડી વાદળી રંગ. પાંખમાંનો લીલો આડો પટો
ઝાંખો અને નરની માફક તેની આગળ અને પાછળ પાતળા સફેદ પટા. ચાંચ કાળી, પગ નારંગી.
દિવાળી અરસામાં
ગયણા આપણે ત્યાં આવવા માંડે. તે વખતે નરનો દેખાવ લગભગ માદા જેવો, પણ તેનાં કરતાં
થોડો ઘેરો. વળી તેની પાંખનો રંગ પહેલાના જેવો જ હોય છે. બચ્ચાં માદા જેવા. લગભગ
ઘણાખરા જળાશયોમાં ગયણા દેખાય. અનુકૂળ સ્થળોએ મોટી સંખ્યામાં જોવા મળે. પાણીની
સપાટી ઉપર તરતી ઝીણી જીવાત અને વનસ્પતિ તથા પાણીમાંની જીવાત, તેમનાં બચ્ચાં, નાની
માછલી વગેરે તેનો ખોરાક. ચાંચની નીચેનું ફાડિયું પાણીમાં રહે તેવી રીતે ડોક આગળ લંબાવી,
તરતાં તરતાં ગયણા પોતાનો ખોરાક મેળેવે. તેની ચાંચની બંને બાજુ ઝીણી જાળી જેવી
દાંતી હોય છે. પાણી ગળાઈને તેમાંથી બહાર નીકળી જાય અને તેમાંની જીવાત વગેરે ગયણાના
મોઢામાં રહે. છીછરા પાણીમાં ઉંધા માથે થઇ
તળિયેથી પણ ખોરાક મેળેવે. પાણીમાંથી સીધા હવામાં ઉડી શકે.
માહિતી : પાણીનાં સંગાથી