Republic Day - 2019

12 February 2019

Grey Pelican

જળકાંઠાનાં પક્ષી : રૂપેરી પેણ (Grey Pelican)

કદમાં આ પક્ષી પણ ગીધથી મોટું હોય છે. રંગે સફેદ પડતું રાખોડી હોય છે. માથા ઉપર નાનકડી કથ્થાઈ રંગની કલગી હોય છે. નાનકડા મજબૂત પગ અને આંગળાઓ વચ્ચે પાતળી ચામડી હોય છે. લાંબી ચપ્પટ ચાંચ ધરાવે છે. ચાંચની નીચે આછા જાંબલી રંગની ચામડીની કોથળી લટકતી હોય છે. ઉપરનાં જડબાની કિનારીઓ ઉપર ઘેરા વાદળી-કાળા રંગનાં ટપકાંઓ હોય છે. ચાંચ પાંખોમાંનાં કાળાં પીંછાં અને રાખોડી કથ્થાઈ રંગની પૂંછથી જલદી પરખાઈ જાય છે. નર-માદા દેખાવમાં સરખાં હોય છે. નાનાં-મોટાં તળાવોમાં નહેરોમાં સમૂહમાં દેખાય છે. ભારતભરમાં અને પડોશી બંગલાદેશ, પાકિસ્તાન, મ્યાનમારમાં અને કોઈ વાર નિકોબારમાં પણ જોવામાં આવે છે. શિયાળામાં સૌરાષ્ટ્ર કચ્છમાં દેખાય છે. કચ્છ અને સિંધમાં તેનું નામ પેણ છે.

પાણીની સપાટી ઉપર તરે છે. સમૂહમાં કુંડાળામાં તરી, પાણી ઉછાળી માછલીઓને ગૂંચવણમાં મૂકી દે છે. માછલી પકડી પોતાની ચાંચ નીચેની થેલીમાં નાખે છે. મોટું કદ હોવા છતાં ઝડપથી હવામાં ઊડે છે. પાંખોના સપાટા લગાવી આકાશમાં ઊંચે સુધી ઊડે છે. ઊડે છે ત્યારે માથાને બે પાંખો વચ્ચે નીચે નમાવે છે. પ્રજનન કાળ નવેમ્બરથી એપ્રિલ સુધી હોય છે. ઉત્તંગ વૃક્ષો અને તાડનાં વૃક્ષોમાં માળા ચણે છે. કેટલીક વાર એક જ વૃક્ષમાં ઘણાં માળા હોય છે. ત્રણ સફેદ ઇંડાં મૂકે છે. સેવન કરતાં કરતાં સફેદ રંગ મેલાં થાય છે.


માહિતી : ડૉ. અશોક એસ. કોઠારી