Eurasian
Curlew : વિલાયતી ખલિલી
દરિયા કિનારે ફરતા હો અને "ક..ર...લ્યુ" એવો મીઠો વાંસળી જેવો અવાજ સાંભળો તો ઉભા રહી આજુબાજુ દ્રષ્ટિ કરજો. મરઘીથી મોટું કોઈ પંખી ઉડતાં ઉડતાં તેમ બોલતું તમારી નજરે ચડશે. થોડે દૂર જઈ ભીની જમીન ઉપર ઉતરી ધીમે ડગલે ખોરાક શોધવાની પોતાની પ્રવૃત્તિ તે કરવા લાગશે. તે પંખીનું નામ ખલિલી.
તેનું ઉપરનું શરીર ઘેરું બદામી. તેમાં સાવ આછા બદામી રંગનાં વળિયા આકારની પુષ્કળ ભાત. મોઢું, ડોક અને ગળું આછા બદામી અને તેમાં ઘેરી બદામી નાની નાની પુષ્કળ ઉભી રેખાઓ. પેટાળ મેલું ધોળું અને તેમાં આછી ભાત. ખલિલીની તરત નજરે ચડતી કોઈ વિશેષતા હોય તો કાંકણસાર જેવી લાંબી વાંકી (નીચે વળેલી) ચાંચ. તે રંગે કાળાશપડતી બદામી છે. પગ રાખોડી કે વાદળી. ટૂંકી પૂંછડી ઉપર આડા પટા.
માહિતી : પાણીનાં સંગાથી