અળવી:
(અંગ્રેજી: Taro; વૈજ્ઞાનિક નામ:
કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં
થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં
આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા
પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. પુખ્ત ન થયેલા છોડનાં પાન
તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ
નામના ઘટકને કારણે થાય છે, આ ક્ષારના
સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર
ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે. અથવા તેને રાતભર ઠંડા
પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને
સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની
અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ
છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે. અળવીના
પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની
ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને
ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી
રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ
કરનારી વનસ્પતિ છે.
અળવી એ મૂળ દક્ષિણ ભારત અને અગ્નિ એશિયાની વતની છે. આફ્રિકા, પ્રશાંત મહાસાગરના દ્વિપો અને દક્ષિણ ભારતના
અમુક ક્ષેત્રોમાં તે લોકોનો મૂળ ખોરાક છે. કોલોકેસિયા (Colocasia)નું ઉદ્ગમ ભારત-મલય ક્ષેત્ર મનાય છે પરંતુ તે
પૂર્વ ભારત અને બાંગ્લાદેશથી લઈ અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રો સુધી ફેલાયેલ
છે. પશ્ચિમ તરફ તે ઈજીપ્ત અને પૂર્વી ભૂમધ્ય ક્ષેત્રથી લઈ પૂર્વ આફ્રીકા અને
પશ્ચિમ આફ્રીકા સુધી ફેલાઈ છે. ત્યાંથી તે કેરેબિયન અને અમેરિકા પહોંચી હતી. અ
વનસ્પતિનાં ઘણાં સ્થાનીક નામો છે. જ્યારે તેને સજાવટના વૃક્ષ તરીકે વપરાય છે
ત્યારે તેને "એલીફન્ટ ઈયર્સ" (હાથીના કાન) તરીકે ઓળખવામાં આવે છે.