Republic Day - 2019

28 February 2018

અરડુસી



અરડુસી : કફ- ઉધરસનું ઔષધ

અંગ્રેજી :   Malbar nut                                   લેટીન : Adhatoda Vasika

પરિચય :

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.
ભારતમાં અરડુસી બધે જ થાય છે. અરડુસીનાં પાન જામફળીને મળતાં ત્રણ-ચાર ઈંચ લાંબાં, ત્રણ ઈંચ જેટલાં પહોળાં અને અણીદાર હોય છે. પાનમાંથી સહેજ વાસ આવે છે. એને તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ ફુલો આવે છે. અરડુસી ધોળી અને કાળી એમ બે પ્રકારની થાય છે. ગુણોમાં કાળી ઉત્તમ ગણાય છે. 

ગુણધર્મો અને ઉપયોગ : અરડુસી મુખ્યત્વે કફઘ્ન, રક્તસ્તંભક અને જ્વરઘ્ન છે. એ શીતવીર્ય, હૃદયને હીતકારી, લઘુ, તીખી, કડવી અને સ્વર-ગળાને હીતાવહ છે. તે વાયુકારક અને સારક છે. અરડુસી કફ, રક્તપીત્ત, ખાંસી, ઉલટી, તાવ, પ્રમેહ, કોઢ, કમળો, ક્ષય, શીતપીત્ત, અરુચી, તૃષા તથા દમ-શ્વાસ મટાડે છે. કફના નવા રોગો કરતાં જુના રોગોમાં વધારે લાભપ્રદ છે. અરડુસી ક્ષયમાં ખુબ સારી છે. ક્ષયની આધુનીક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી બંને ઉધરસમાં અરડુસી ખુબ હીતાવહ છે. કફ છુટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડુસી સારું કામ કરે છે. અરડુસી રક્તપીત્ત, ક્ષય અને ઉધરસના દર્દીઓ માટે ઉત્તમ છે.