અશ્વગંધા :
પરિચય :
અશ્વગંધા એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા
અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે. હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં
આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી
ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે.
આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ
વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા,
મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને
અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા
કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે.
અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે,
જે ખુબ જ પુષ્ટિકારક છે.
ગુણધર્મો :
રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત,
બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ
લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે.
શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.
અશ્વગંધાને
આસન, આસંધ, અજગંધ અને ઢોરગુંજ અથવા આહન પણ કહેવામાં આવે છે. આ ખુબ જ
સસ્તું છતાં ગુણોની દૃષ્ટીએ ખુબ જ ઉત્તમ ઔષધ છે. અશ્વગંધાનો છોડ પીલુડીને મળતો આવે
છે. અશ્વગંધાના મુળમાં ઘોડા જેવી વાસ આવતી હોવાથી એને અશ્વગંધા કહે છે.
અશ્વગંધામાં બે ખુબ જ
અગત્યના ગુણો છે. બૃંહણ અને બલ્ય. બૃંહણ એટલે વજન વધારનાર એટલે કે શરીરને પુષ્ટ
કરનાર. બલ્ય એટલે બળ વધારનાર. અશ્વગંધામાં ઉંઘ લાવવાનો એક ત્રીજો ગુણ પણ છે.
અશ્વગંધા સ્વાદમાં તુરું, સહેજ તીખું, રસાયન, ધાતુપુષ્ટીકર,
બળ આપનાર, કાંતી વધારનાર,
વૃષ્ય એટલે કે
મૈથુનશક્તી વધારનાર છે. તે વાયુના રોગો,
શુક્રદોષ, ક્ષય, દમ-શ્વાસ, ઉધરસ, વ્રણ, સફેદ કોઢ, કફ, વીષ, કૃમી, સોજો, કંડુ એટલે કે ખંજવાળ, અને ત્વચા રોગોમાં ખુબ હીતાવહ છે.
અશ્વગંધા રસાયન, ધાતુવૃદ્ધીકર,
કાંતીવર્ધક, વાજીકર અને દૃષ્ટી સ્વચ્છ કરનાર છે.
શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.