ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય:
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર"
તરીકે પણ ઓળખાય છે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના
૧૯૬૫માં કરવામાં આવી હતી, તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં
ફેલાયેલ છે આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં
આવે છે જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન
(ઉત્તર-પૂર્વ)માં આવેલું છે અને તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલ છે.
૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટીમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ,
૩૦૦ કરતા વધુ પ્રકારના
પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.
માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટીત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદીયુ, અને રતેલ જેવા પ્રાણીઓ છે. રણ બિલાડી (Asiatic Wildcat) અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું
અસ્તિત્વ છે પણ ભાગ્યેજ દેખાય છે.
શકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ અથવા નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં
દેખાય છે.
નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર (જેની
અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ
સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારે અજગર
જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ
લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય
તળાવોમાં છોડ્યાં હતા.
ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના
સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની
અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, મોર બાજ, મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકતીઓ માટે સિંહ સદન નામના એક અત્યાધુનિક
સગવડતાવાળા ઊતારાની વ્યવસ્થા છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ
માટે પ્રવાસીઓને સઘળી માહિતી અને પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી
એક માહિતિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહ સદનથી જીપ સફારી અને ગાઇડ ભાડે મેળવી જંગલમાં
વન્યસૃષ્ટીના દર્શન માટે જઇ શકાય છે. આ માટે વન વિભાગ તરફથી નીચે પ્રમાણેના ૮ પ્રવાસી
માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. એક માર્ગ પર ૨ ક્લાકની સફરની પરવાનગી મળે છે. ઋતુ અને
હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ (સવારે ૬ થી ૮, ૯ થી ૧૧, સાંજે ૩ થી ૫ અને ૫ થી ૭) દરમ્યાનમાં
જ આ સફર પર જવા દેવામાં આવે છે.