Republic Day - 2019

27 December 2019

ખેરખટ્ટો

Rufous tree pie (ખેરખટ્ટો)


        ખેરખટ્ટો ભારતીય ઉપખંડમાં જોવા મળતું કાગડા કુળનું એક પક્ષી છે. પક્ષી એકલું કે જોડીમાં ફરતું જોવા મળે છે, કદીય ટોળામાં ફરતું નથી. તેનો અવાજ ઘડીકમાં મીઠો તો ઘડીકમાં કર્કશ સંભળાય છે.
       કાગડા કુળનાં પંખીઓમાં પક્ષી સૌથી આકર્ષક દેખાવ ધરાવે છે. તે રંગ અને રૂપથી દેખાવડો હોય છે. તેનું માથું, ડોક, ગળું, તથા છાતી ધૂમાડીયા કાળા રંગનાં અને બાકીનું શરીર કથ્થાઈ હોય છે. તેની પાંખ પર મોટું ધોળું ધાબું અને બાજુનો બાકીનો ભાગ કાળો હોય છે. તેની લાંબા કદની પૂંછડીના ઉપરના ભાગે રાખોડી રંગ અને છેડા પર કાળા રંગની પટ્ટી હોય છે. તેની ચાંચ નાની અને સહેજ વળેલી હોય છે. પગ ભૂખરા રંગના હોય છે. પક્ષી દેખાવમાં નર અને માદા સરખાં હોય છે.
               ખેરખટ્ટો બગીચા, જંગલ, ઝાડી ઉપરાંત ગામમાં મોટાં વૃક્ષો પર માર્ચ મહીનાથી શરૂ કરીને મે-જૂન સુધીમાં પોતાનો માળો બનાવે છે. તેનો માળો ઉંચા વૃક્ષ પર બેલાખામાં હોય છે. તેના ઈંડાનો રંગ લીલાશ પડતો હોય છે અને એના પર રાખોડી કથ્થાઈ છાંટણા હોય છે.
            કાગડાની જેમ ખોરાક તરીકે સર્વભક્ષી, ફળો, જીવડાં, ઈંડાં, નાના પક્ષીઓનાં બચ્ચાં, ઉંદર વગેરે બધું ખાય છે. ખોરાકથી ધરાઈ ગયા પછી વધુ ખોરાક ઝાડની કે મકાનની બખોલમાં છુપાવે છે.

26 December 2019

પીળક

પીળક (Golden Oriole) :


પીળક એ કાબર ના કદ નું પક્ષી છે પણ તેનો રંગ ઉડી ને આખે વળગે એવો સોનેરી હોય છે પીળા કલર નો હોવા થી તેંને એવું નામ મળ્યું છે. પીળા રંગ સાથે નર ની આંખો ની પાછળ સુધી કાળો કલર હોય છે જે તેની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દે છે. ગુજરાત માં લગભગ બધે જ જોવા મળે છે પરંતુ અત્યારે શહેરીકરણ ના કારણે તેને જોવું થોડું મુશ્કેલ છે પણ ક્યારેક વહેલી સવાર માં તેને આપણી આસપાસ જોઈ શકાય છે, તે એપ્રિલ થી ઓગસ્ટ મહિના માં ઈંડા મૂકે છે તેનો માળો ઝાડ ની ડાળી માં કપ ના આકાર નો હોય છે તે 4 થી 5 ઈંડા મૂકે છે. કાગડા , સમડી, જેવા બીજા શિકારી પક્ષી થઈ પોતાના ઈંડા અને બચ્ચા ને બચાવવા તે પોતાનો માળો કાળા કોશી ના માળા ની નજીક બનાવે છે .
તેનો મુખ્ય ખોરાક નાના ફળો તથા નાની જીવાત છે તદુપરાંત તે ક્યારેક નાના દેડકા , નાના સાંપ તથા કાચીંડા પણ ખાઈ લે છે.

16 December 2019

દૂધરાજ

સ્વર્ગનું પક્ષી પેરેડાઇઝ ફ્લાયકેચર
 

દૂધરાજ પક્ષી જ્યારે હવામાં ઊડે છે ત્યારે પૂંછમાંથી બહાર પડતાં બે લાંબા પીંછા તલવારના વળાંક જેવાં દેખાય છે તેથી જ આ પક્ષીનું એક ગુજરાતી નામ તરવારિયો છે. તરુણ પક્ષી એક વર્ષનું થાય છે ત્યાં સુધી પીઠ ઉપર માદા પક્ષી જેવો બદામી કે તપખીરિયો રંગ ધરાવે છે. બીજા વરસે લાંબી છીંકણી-બદામી રંગની પૂંછ ધારણ કરે છે. ત્રીજા વરસે પીઠ ઉપર અને પાંખોમાં સફેદ પીંછા આવવા માંડે છે. તરૂણ કાળ દરમિયાન પણ તેનામાં પુરુષાતન હોય છે અને માદા સાથે સંવનન કરવા માંડે છે. પુખ્ત નર પક્ષીનાં પીંછામાં ઝબકતા સફેદ રંગમાં ઝીણી કાળી રેખાઓ તેની સુંદરતા વધારે છે. આ અતિ સુંદર પક્ષીને તેના આકર્ષક વ્યક્તિત્વને લીધે અંગ્રેજીમાં પેરેડાઇઝ ફલાય કેચર (Paradire Flycatcher, Asian Paradire Flycatcher) અર્થાત સ્વર્ગના પક્ષીનું નામ મળ્યું છે. શાસ્ત્રીય નામ Terpsiphone paradisi છે.

ભારતભરનાં ગાઢ જંગલો અને ખાસ કરીને તળાવ, નદી-નાળાં કે પાણીનાં સ્રોતની નજીક તેમનું સ્થાન હોય છે. આજુબાજુનાં પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન વગેરેમાં પણ વ્યાપક છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘણે ઠેકાણે જોવામાં આવે છે. ફેબ્રુઆરીથી જુલાઈ એ પ્રજનનકાળ છે. ઘાસ, તણખલાંનો પ્યાલા કે વાટકી જેવો વ્યવસ્થિત માળો ગુંથી તેમાં બહાર કરોળિયાનાં જાળાં, તાતણાં બાંધી મજબૂત કરે છે. સૌરાષ્ટ્રમાં ગીરમાં અને ગીરનારનાં જંગલોમાં પ્રજનન કરે છે. ૩ થી પાંચ ગુલાબી પડતા મલાઈનાં રંગના ઇંડાં હોય છે. ઇંડાં લંબગોળ અને ઉપર લાલ-ક્થ્થાઈ રંગનાં ટપકાં હોય છે.

ઊડે છે ત્યારે આનંદમાં આવી સંગીતમય અવાજ કરે છે. સામાન્ય રીતે વૃક્ષોમાં હોય છે ત્યારે ઘોઘરો કીક-કીક અવાજ કરે છે અને તેથી તેનાં તરફ ધ્યાન દોરાય છે.

- ડો. અશોક એસ. કોઠારી