Republic Day - 2019

20 February 2020

ચીબરી


ચીબરી (Spotted Owlet)


ચીબરી ઘુવડ વર્ગનું પક્ષી હોવા છતાં સંપૂર્ણ નિશાચર પક્ષી નથી.
ચીબરી નાના કદનું, મજબૂત, જાડું અને તગડું શરીર ધરાવતું ઘુવડ છે. તેના શરીરના ઉપલા ભાગો રાખોડી-ભૂરા રંગના અને તેમાં સફેદ રંગનાં ટપકાંઓ હોય છે. તેના શરીરના નીચેના ભાગો સફેદ રંગના અને તેમાં બ્રાઉન રંગની પટ્ટીઓ હોય છે. ચહેરાનો રંગ શરીરના રંગ કરતાં આછો અને આંખો મોટી અને પીળી હોય છે. ગળાની ફરતે નિસ્તેજ સફેદ રંગનો પટ્ટો આવેલ હોય છે.

તેનો મુખ્ય ખોરાક નાના મોટા જીવ જંતુઓ, ગરોળીઓ, ઉંદરો અને નાના પક્ષીઓ છે.

ચીબરી સંધ્યાકાળે દેખાતું પક્ષી છે, છતાં તે ક્યારેક તે દિવસના પણ જોવા મળે છે. તે વાવેતર કરેલ વિસ્તારો અને માનવ વસવાટ સહિતના ખુલ્લા આવાસોનું સામાન્ય રહેવાસી પક્ષી છે. તે વૃક્ષો કે પ્રાચીન અને મોટી ઇમારતોની બખોલ કે તિરાળોમાં માળા બનાવે છે.

તેની માળા બાંધવાની ઋતુ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીની છે. તે જૂના વૃક્ષ અથવા જર્જરિત દિવાલોની બખોલમાં માળો બનાવે છે. તે 3 અથવા 4 સફેદ રંગના ઇંડા મૂકે છે. નર અને માદા બંને ઘરેલું ફરજો સરખે ભાગે વહેંચીને કરે છે.
માહિતી સાભાર : નિસર્ગ સેતુ 

19 February 2020

Purple Heron : નડી બગલો

Purple Heron : નડી બગલો 

કદમાં કબૂત બગલા કરતા સહેજ નાનો તથા એકવડીયો. ઉપરનું શરીર રાખોડી જાંબલી. સૂર્યપ્રકાશમાં ચમક મારે. ડોક લાંબી, રંગે રતુંબડી. તેમાં વાદળી, કાળો અને સફેદ એમ ત્રણ પટા. દાઢી સફેદ. છાતી ઉપર કાળી તથા કથ્થાઈ રેખાઓવાળા આછા બદામી રંગનાં નરમ લાંબા પીંછાં. છાતી કથ્થાઈ બદામી. પેટાળ કાળાશ પડતું તપખીરી. પાંખો અને પૂંછડી સ્લેટીયા રંગનાં. ચહેરા ઉપરની ચામડી લીલાશપડતી પીળી. ચાંચ લાંબી અને પીળી. પગ લીલાશપડતા કે રતાશ પડતા બદામી. માથે લાંબા કાળા નરમ પીંછાની ચોટલી. નર-માદા સરખાં. પાણી કાંઠાની વનસ્પતિમાં એકલદોકલ દેખાય. કબૂત બગલાની જેમ ખુલ્લામાં બહુ ન આવે.આસપાસના વાતાવરણ સાથે આબાદ ભળી જાય તેવાં રંગને લીધે ઝટ નજરે ન ચડે. દરિયાકિનારાના પ્રદેશમાં વધારે નજરે ચડે.

માહિતી સાભાર : લાલસિંહ રાઓલ  

17 February 2020

રાજી – પીતકંઠ ચકલી


રાજી – પીતકંઠ ચકલી(YELLOW THROATED SPARROW)


આ ચકલીનું બીજું નામ ‘ રાજી ‘ પણ છે ને એવી દેખાવડી છે કે આપણે જોઇને રાજી જ થઈએ. નર – માદામાં થોડો જ ફેર છે. નર ઉપરથી રાખોડી ભૂખરો. આપણી ચકલી જેવો જ લાગે પણ બહુ સ્વચ્છ અને સુઘડ લાગે. એને રાખોડી સફેદ ગળામાં મજાનો પૂનમના ચંદ્ર જેવો બરોબર ગોળ પીળો ઘેરો ચાંદલો છે, એ એની મુખ્ય ઓળખાણ. વધુમાં પાંખમાં ખભા પાસે ખૂબ જ સરસ ચળકતો લાલ રંગ છે. પાંખમાં સફેદ બે પટ્ટા છે. ઉપલો સફેદ ને નીચેનો પૂંછડી તરફ બદામી.

માદાને પીળો ચાંદલો ને લાલ ખભો ઝાંખો હોય છે. ને ખભો બજરિયા જેવો છે. ચાંચ કાળી ચમકતી, જાડી, મજબુત ને જરા લાંબી છે. અને અણીદાર છે. પગ રાખોડી જેવા હોય છે.

ઉનાળો ચૈત્રથી અષાઢમાં માળા કરે. શિયાળે ટોળામાં જોવા મળે. ગામના પાદરમાં જ હોય, ગામમાં આવતી નથી. બગીચો હોય તો આવે. અવાજ ઘરની ચકલી કરતા જુદો છે. સંચાર થતા ઉડીને ઝાડમાં જ બેસે. મોટે ભાગે ઝાડ પર જ રહે છે. માળો સૂકા ઘાસનો, ઝાડની બખોલમાં જ કરે છે. ને લક્કડફોડ કે પોપટના કોતરી કાઢેલા કાણા પર બનાવે.ઈંડા લીલાશ પડતા સફેદ અને તેમાં ચોકલેટ રંગની રેખાઓ ધાબા વગેરે હોય છે. આપણે ત્યાં બારેમાસ વસતું છતાં સાવ અજાણ્યું આ પંખી ખરેખર રૂપાળું ને જોવા જેવું છે.
માહિતી સાભાર : હર્ષદ જોશી

નીલકંઠ


નીલકંઠ ( Indian Roller )

નીલકંઠ ભારતમાં જોવા મળતું પક્ષી છે. આ પક્ષી ઈન્ડિયન રોલર તરીકે પણ ઓળખાય છે. લીલા અને ભૂરા રંગનું આ પક્ષી દેખાવે સુંદર હોય છે. નીલકંઠ પક્ષીનો ભલે રોલર પ્રજાતિ સાથે સબંધ હોય પણ તેનો રંગ તેનાથી તદ્દન અલગ હોય છે. તે ભારત ઉપરાંત દક્ષિણ એશિયા, ઈન્ડોનેશિયા અને ઈરાક જેવા દેશોમાં પણ જોવા મળી રહે છે. તેઓ પ્રવાસી પક્ષી તો નથી પણ ઋતુ પ્રમાણે તેઓ પોતાની જગ્યા બદલતા રહેતા હોય છે. નીલકંઠ પક્ષીના માથા અને પાંખોનો રંગ લીલો હોય છે. તેમજ તેના ગળાનો રંગ હલકો ભૂરો હોય છે. તેની ચાંચ કાળા રંગની હોય છે. તેનો અવાજ કાગડા જેવો તીક્ષ્ણ અને કર્કશ હોય છે. નીલકંઠ નામનું આ પક્ષી લગભગ ૨૭ સેન્ટીમીટર જેટલું લાંબું હોય છે. તે દેખાવે મેના જેવું લાગ છે. તેનું વજન ફક્ત ૮૦થી ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. નર અને માદા નીલકંઠ દેખાવમાં લગભગ એક જેવા જ હોય છે. નીલકંઠની ખાસીયત એ છે કે તે હવામાં ઊડતાં જાતજાતના કરતબ કરતું હોય છે. તે હવામાં ઊડતાં ઊડતાં એરોબિક્સ મૂવ્સ કરે છે. તેમજ ૩૬૦ ડીગ્રી ગોળ ફરી પણ શકે છે. નીલકંઠનો પ્રજનન સમય ભારતમાં મે મહિનાથી જૂન સુધીનો હોય છે. એટલે કે ગરમીની ઋતુમાં તે બચ્ચાંઓને જન્મ આપે છે. નીલકંઠ પક્ષી જંગલો ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં પણ વસવાટ કરે છે. આ ઉપરાંત તેઓ જંગલ નજીક ઘાસના મેદાનોમાં પણ જોવા મળે છે. કેટલીક વખત તેઓ રસ્તાઓ પરના થાંભલાના તાર પર પણ બેઠેલા જોવા મળી રહે છે. નીલકંઠ પક્ષીનો મુખ્ય ખોરાક બીજ, નાની ઈયળો, જીવજંતુ, નાના સરિસૃપ પ્રાણીઓ, નાના વીંછી અને મકોડા છે.

આ ઉપરાંત તેઓ હવામાં ઉડતા નાના જીવજંતુઓને પણ તરાપ મારીને ખાઈ જાય છે. આ નીલકંઠ પક્ષીને ખેડુતપ્રેમી પક્ષી પણ કહેવાય છે. તે ખેતરમાં જોવા મળતા કીટકોને ખાઈને પાકને બગડવાથી બચાવે છે. નર નીલકંઠ માદાને આકર્ષિત કરવા હવામાં ગુલાટીઓ મારે છે. આ સમયે તેની પાંખોનો લીલો રંગ ખૂબ જ સુંદર લાગતો હોય છે. સામાન્ય રીતે તેઓ પોતાનો માળો ઝાડ પર તેમજ ઝાડની બખોલમાં બનાવે છે. માદા નીલકંઠના ઈંડા સફેદ રંગના હોય છે. તે એક વખતમાં ત્રણથી ચાર ઈંડા મૂકે છે. નર અને માદા નીલકંઠ બંન્ને ભેગા મળીને ઈંડાને સેવે છે.

વીસ દિવસ બાદ ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે. બે મહિના સુધી નર અને માદા નીલકંઠ બચ્ચાંનો ઉછેર કરે છે અને ત્યારબાદ બચ્ચાં માળો છોડીને ઉડી જાય છે. કેટલાક લોકો નીલકંઠ પક્ષીને ભગવાન શિવનું સ્વરૂપ માને છે. માટે જ તેને નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. દશેરા અને દુર્ગા પૂજામાં આ પક્ષી દેખાઈ જાય તો શુભ માનવામાં આવે છે. નીલકંઠ પક્ષી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેંલગાણા અને ઓડીસા જેવાં રાજ્યોનું રાજકીય પંખી જાહેર કરવામાં આવ્યું છે. તેમનુું આયુષ્ય ૧૮થી ૧૮ વર્ષનું હોય છે. હાલના સમયમાં નીલકંઠ પક્ષીની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે.
Sandesh : જંગલબુક :- નીરવ દેસાઈ

રાતી સંતાકૂકડી


રાતી સંતાકૂકડી (Ruddy-breasted Crake)

 સવાર સાંજના આછા અજવાળાના સમયે નદી તળાવોના કિનારે ફરવા ચારેક જાતની સંતાકૂકડીઓ જોવા મળે. સંતાકુકાડીઓ સ્વભાવે બહુ શરમાળ. મુખ્યત્વે જળાશયોના કાંઠાની પાનમાં ફરતી રહે. નજીકની ખુલ્લી જમીનમાં ક્યારેક સવારસાંજ સાવચેતીપૂર્વક ચરવા નીકળે. તેમને જોવા માટે અનુકૂળ સ્થાન શોધી, એક જગ્યાએ શાંતિથી બેસી, આસપાસ નજર ફેરવતા રહેવાનું. કરણ, માણસની જરાક ફરફર થતાં દોડીને તે ચીયામાં સંતાઈ જાય. સંતાકુકાડીઓ સમુહમાં રહેનાર પંખી નથી. એક કે બે જોવા મળે.
રાતી સંતાકૂકડી શિયાળામાં આપણે ત્યાં ઠંડા પ્રદેશોમાંથી આવે છે અને શિયાળો ઉતરતાં પોતાના પ્રદેશમાં પાછાં જતાં રહે છે. આ પક્ષી કાદવ કે છીછરા પાણીમાં પોતાનો ખોરાક મેળવે છે.    
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ  

હરિયલ

હરિયલ (Yellow-footed green pigeon)
 
હરીયાળ અથવા હરીયલ, જેને અંગ્રેજીમાં યલ્લો-ફુટ્ડ્ ગ્રીન-પીજન (Yellow-footed green pigeon) અને વૈજ્ઞાનીક નામે જેને ટ્રેરોન ફોએનિકોપ્ટેરા (Treron phoenicoptera) તરીકે ઓળખાય છે તે ગુજરાત રાજ્યના વનરાજી ધરાવતા વિસ્તારોમાં જોવા મળતું કપોત કુળનું મુખ્યત્વે લીલા રંગનું એક સામાન્ય પક્ષી છે. આ પક્ષીમાં નર અને માદા પક્ષીના રંગોમાં બહુ ઓછો તફાવત હોય છે. તે ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય-પક્ષી છે. અને મરાઠીમાં પણ એને હરીયલ તરીકે જ ઓળખવામાં આવે છે.
આ પક્ષીનો મુખ્ય ખોરાક ફળો અને ખાસ કરીને અંજીર કુળના વૃક્ષોના ફળો છે. વહેલી સવારે આ પક્ષીઓ મોટેભાગે ઘટાદાર વૃક્ષોની ટોચ પર તડકાનો આનંદ લેતા જોવા મળે છે. સાસણ-ગીર જેવા ગુજરાતનાં જંગલોમાં તે આસાનીથી જોવા મળી જાય છે. જો પૂરતી વનરાજી મળે તો શહેરમાં પણ રહેવામાં આ પક્ષીને વાંધો આવતો નથી.
માહિતી સ્રોત : Wiki