Republic Day - 2019

30 October 2019

દેવચકલી

સંગીતકાર પંખીડાં દેવચકલી :

તમારા આંગણામાં રમતી દેવચકલી તરફ ધ્યાન ગયું છે કોઈ દિવસ? દેવચકલી કદમાં ચકલીથી નાનું પંખી છે, પણ ભારતભરમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ બારે માસ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની દેવચકલી ઉત્તર ગુજરાતની દેવચકલી કરતાં વધુ કાળી અને સુંદર ગણાય છે. દેવચકલીનાં ગુજરાતી નામો કાળી દેવ, કાળી દેહ, દેવલી વગેરે છે.  અંગ્રેજી નામ ઈન્ડિયન રોબિન અથવા નવું નામ ઈન્ડિયન બ્લેક રોબીન છે.

દેવચકલા (નર)નો રંગ માથું, છાતી, ગળું, ગરદન અને પાંખો ઘેરો કાળો હોય છે. ખભા ઉપર બંને બાજુ સફેદ પદમ (ચકદાં) હોય છે. પૂંછનાં મૂળ નીચે લાલાશ પડતો કથ્થાઈ રંગ હોય છે. ચાંચ, પગ અને આંખો કાળા હોય છે. માદા રાખોડી પડતી કથ્થાઈ હોય છે. પાંખોમાં સફેદ લાખાં નથી હોતા. બંનેની પૂંછડી અને ખાસ કરીને નરની ઊંચી રહે છે. ઘરની પરસાળમાં આવી જાય છે. દાણા વગેરે ખાતા નથી. હંમેશાં ઈયળ, જીવડાં વગેરે આરોગે છે. બીજા પક્ષીઓની જેમ જમાતમાં નથી રહેતાં, પરંતુ જોડીમાં હોય છે. નર હંમેશાં માદાને મદદ કરવા ઉત્સુક રહેતો હોય છે. ખાસ કરીને ડોક જમીન ઉપર, વાડ કે નાનાં છોડવાઓમાં બારે માસ નજરે પડે છે. જમીન ઉપર કૂદતાં ચાલે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તેમની વસતીમાં ઘટાડો થયો છે. દેવચકલીની ગણતરી સંગીતકાર પક્ષીઓમાં થાય છે. જોકે કેટલાક લેખકો તેમનાં સંગીતને ખાસ મહત્ત્વ આપતા નથી. નર સૂરીલો અવાજ કાઢે છે. ખાસ કરીને સંવનન સમયમાં તે સમયે માદાને રીઝવવા ગોળ ગોળ ફરે છે. પૂંછ ઊંચી કરીને નૃત્ય પણ કરે છે. કેટલાક લેખકો તેને વહુઘેલો ગણે છે.

તેના માળા કુદરતી બખોલ, સડેલા વૃક્ષની ડાળી, ભીંતમાંનાં પોલમાં અને કોઈ વખત ભોંય ઉપર પણ બનાવે છે. માળા બનાવવા માટે બારીક ઘાસ, ઊન, વાળ, રેસા વગેરે વાપરીને વાટકી જેવો માળો બનાવે છે. અસ્તર તરીકે પીંછા, સાપની કાંચળી વગેરેનો પણ ઉપયોગ કરે છે. સંવનન કાળ એપ્રિલથી જૂન હોય છે. બેથી ત્રણ ઈંડાં મૂકે છે. ઈંડાં મલાઈ જેવા સફેદ અને ઉપર લીલા અને કથ્થાઈ રંગનાં ડાઘા-ડૂઘી હોય છે. માદા સેવન કરે છે. નર તેનાં માટે ખોરાક વગેરે લાવે છે. ખડેપગે ચોકી કરીને માળા, ઈંડાં, બચ્ચાં અને માદાનું રક્ષણ કરે છે.
માહિતી સાભાર : ડૉ. અશોક એસ. કોઠારી