જામનગરના ઠેબા ગામે આવેલ શ્રી કે.જે. શાહ હાઇસ્કૂલ ખાતે મોટી હવેલી જામનગરના પૂ.ગોસ્વામી વલ્લભરાયજી મહારાજની અધ્યક્ષતામાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ તથા વર્ષ ૨૦૧૭-૧૮માં તેજસ્વીતા દાખવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ. આ સમયે સંસ્થાના માનદ મંત્રી હરિભાઈ કારસરિયા, આચાર્ય આર.ટી. કાછડિયા, પૂર્વ આચાર્ય સી.પી. વસોયા, શાળા સંચાલક મંડળના સદસ્યો કિશોરભાઈ સંઘાણી, નંદલાલભાઈ પ્રાગડા તથા અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. તેમજ સંસ્થાના ટ્રસ્ટી નંદલાલભાઈ દ્વારા ધો.૧૦માં શાળામાં ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. પૂ.ગોસ્વામી વલ્લભરાયજી મહારાજે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવેલ કે મિત્ર અને મંત્ર પર વિશ્વાસ રાખી સંઘર્ષ અને સખત મહેનત દ્વારા જીવનમાં આગળ વધવું તેમજ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે આત્મીયતાનો ભાવ કેળવી સારા નાગરિક બનવું તથા આગામી ધો.૧૦ની પરીક્ષામાં સારા ગુણ મેળવી શાળા, ગામ તથા પરિવારનું નામ રોશન કરવા શુભ આશિષ આપેલ. કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ગીત લીનાબા જાડેજા તથા કેર આરતીબાએ રજુ કરેલ. સંચાલન ભૂમિબેન પીઠડીયાએ તથા આભારદર્શન શાળાના શિક્ષિકા ડી.ટી. પરમારે કરેલ. સંઘાણી નેન્સી તથા નંદનાબેન મકવાણાએ શાળાના સંસ્મરણો રજુ કરેલ.
ફોટોગ્રાફી : વિશ્વાસ ઠક્કર