Republic Day - 2019

19 March 2019

Black-headed Ibis


ધોળી કાંકણસાર (Black-headed Ibis)

ધોળી કાંકણસાર (Black-headed Ibis) એક સફેદ રંગનું પક્ષી છે જે સરળતાથી બગલા સાથે કન્ફયુંઝ થઈ જાય તેવું છે, પરંતુ સદભાગ્યે તેમનું વિશિષ્ટ કાળું માથું અને ચાંચ તેમને ઓળખવા માટે સરળતા પૂરી પાડે છે. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ થ્રેસ્કીઓર્નિસ મેલેનોસીફેલસ (Threskiornis melanocephalus) છે અને તે થ્રેસ્કીઓર્નિથિડે (Threskiornithidae) કુળનું પક્ષી છે. આ પક્ષી દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા (દરિયા કિનારાના વિસ્તારો અને જલપ્લવિત વિસ્તારોની આસપાસ) નું મૂળ વતની છે.
તે મોટા કદનું પક્ષી (લગભગ 75 સેમી), માથું, ગરદન, ચાંચ, અને પગ કાળા રંગના આ સિવાયનું મોટાભાગનું શરીર સફેદ રંગનું હોય છે. આ પક્ષીનું માથું ટાલવાળું હોય છે. ચાંચ અને ગરદન દાતરડાં જેવો આકાર બનાવે છે. નર અને માદા બન્ને પક્ષીઓ સમાન હોય છે. તેમ છતાં કિશોર પક્ષીઓની ગરદનની આસપાસ સફેદ પીછા હોય છે. તે જલપ્લવિત વિસ્તારોનું પક્ષી છે, તેમાં ખાસ કરીને તે દરિયા કિનારાના વિસ્તારોની આસપાસ વધુ જોવા મળે છે. તેઓ હંમેશાં કાદવની આસપાસ કે કાદવમાં ચાલતા જોવા મળે છે અને માછલીઓ, દેડકા, કૃમિ, ગોકળગાય અને અન્ય પાણીના જીવોનો શિકાર કરે છે. તે લાંબી ચાંચનો ઉપયોગ કરીને સરળતાથી શિકારને ખેંચી શકે છે. તે ટોળામાં રહેનાર પક્ષી છે અને શિકાર દરમિયાન અન્ય કાદવ કિચડના પક્ષીઓ સાથે જોવા મળી આવે છે.
તે સમૂહમાં રહેનારું પક્ષી હોવાથી, તેમના માળા જૂથમાં બનાવે છે. તેઓ ખોરાકની વિપુલતાને આધારે સ્થાનને બદલવાનું પસંદ કરે છે. સંવર્ધન સીઝન સ્થાન પર આધાર રાખે છે, જે અલગ અલગ જગ્યાએ બદલાઈ શકે છે. દક્ષિણ એશિયામાં આ પક્ષી માટે સંવર્ધન સીઝન ઓક્ટોબરથી જૂન છે. તેઓ જલપ્લવિત વિસ્તારોની આસપાસના વૃક્ષોમાં માળો બનાવે છે. માદા 2-4 ઇંડા મૂકે છે.
"થ્રેસ્કીઓર્નિસ" ગ્રીક શબ્દ 'થ્રેસકોસ' પરથી આવ્યો છે, જેનો અર્થ પવિત્ર એવો થાય છે અને 'ઓર્નીસ' શબ્દનો અર્થ પક્ષી થાય છે. "મેલેનોસીફેલસ" એ ગ્રીક શબ્દ છે જે મેલેનોસીફેલા કે મેલેનોસીફેલમ પરથી આવ્યો છે, જેનો અર્થ કાળું માથું એવો થાય છે.

માહિતી : નિસર્ગ સેતુ