Republic Day - 2019

27 March 2019

Wood Sandpiper

Wood Sandpiper : ટપકીલી તુતવારી 

ઉપરનું શરીર રાખોડી બદામી. તેમાં પુષ્કળ ઝાંખાં સફેદ ટપકાં. નેણ સફેદ. કેદ, ઢીંઢું અને પૂંછડી સફેદ. પૂંછડીમાં પાતળા કાળા પટ્ટાઓ.છાતી આછા ધુમાડિયા રંગની. બાકીનો નીચેનો ભાગ સફેદ. એકંદરે લીલી તુતવારી કરતાં સહેજ પાતળિયું પંખી. વળી, ઉપરના ભાગનો રંગ ઝાંખો અને તેમનાં ટપકાં વધારે ચોખ્ખાં. ઢીંઢાનો સફેદ વિસ્તાર લીલી તુતવારી કરતાં ઓછો. પાંખ નીચેથી સફેદ. લીલી તુતવારી કરતાં તેને જુદી ઓળખવાની આ નિશાનીઓ. ચાંચ કાળાશ પડતી. પગ પીળાશ પડતા લીલા. નર-માદા સરખાં. પાંચ-પંદર નજીક નજીક ફરતાં રહે.
માહિતી : પાણીનાં સંગાથી  

19 March 2019

Black-headed Ibis


ધોળી કાંકણસાર (Black-headed Ibis)

ધોળી કાંકણસાર (Black-headed Ibis) એક સફેદ રંગનું પક્ષી છે જે સરળતાથી બગલા સાથે કન્ફયુંઝ થઈ જાય તેવું છે, પરંતુ સદભાગ્યે તેમનું વિશિષ્ટ કાળું માથું અને ચાંચ તેમને ઓળખવા માટે સરળતા પૂરી પાડે છે. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ થ્રેસ્કીઓર્નિસ મેલેનોસીફેલસ (Threskiornis melanocephalus) છે અને તે થ્રેસ્કીઓર્નિથિડે (Threskiornithidae) કુળનું પક્ષી છે. આ પક્ષી દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા (દરિયા કિનારાના વિસ્તારો અને જલપ્લવિત વિસ્તારોની આસપાસ) નું મૂળ વતની છે.
તે મોટા કદનું પક્ષી (લગભગ 75 સેમી), માથું, ગરદન, ચાંચ, અને પગ કાળા રંગના આ સિવાયનું મોટાભાગનું શરીર સફેદ રંગનું હોય છે. આ પક્ષીનું માથું ટાલવાળું હોય છે. ચાંચ અને ગરદન દાતરડાં જેવો આકાર બનાવે છે. નર અને માદા બન્ને પક્ષીઓ સમાન હોય છે. તેમ છતાં કિશોર પક્ષીઓની ગરદનની આસપાસ સફેદ પીછા હોય છે. તે જલપ્લવિત વિસ્તારોનું પક્ષી છે, તેમાં ખાસ કરીને તે દરિયા કિનારાના વિસ્તારોની આસપાસ વધુ જોવા મળે છે. તેઓ હંમેશાં કાદવની આસપાસ કે કાદવમાં ચાલતા જોવા મળે છે અને માછલીઓ, દેડકા, કૃમિ, ગોકળગાય અને અન્ય પાણીના જીવોનો શિકાર કરે છે. તે લાંબી ચાંચનો ઉપયોગ કરીને સરળતાથી શિકારને ખેંચી શકે છે. તે ટોળામાં રહેનાર પક્ષી છે અને શિકાર દરમિયાન અન્ય કાદવ કિચડના પક્ષીઓ સાથે જોવા મળી આવે છે.
તે સમૂહમાં રહેનારું પક્ષી હોવાથી, તેમના માળા જૂથમાં બનાવે છે. તેઓ ખોરાકની વિપુલતાને આધારે સ્થાનને બદલવાનું પસંદ કરે છે. સંવર્ધન સીઝન સ્થાન પર આધાર રાખે છે, જે અલગ અલગ જગ્યાએ બદલાઈ શકે છે. દક્ષિણ એશિયામાં આ પક્ષી માટે સંવર્ધન સીઝન ઓક્ટોબરથી જૂન છે. તેઓ જલપ્લવિત વિસ્તારોની આસપાસના વૃક્ષોમાં માળો બનાવે છે. માદા 2-4 ઇંડા મૂકે છે.
"થ્રેસ્કીઓર્નિસ" ગ્રીક શબ્દ 'થ્રેસકોસ' પરથી આવ્યો છે, જેનો અર્થ પવિત્ર એવો થાય છે અને 'ઓર્નીસ' શબ્દનો અર્થ પક્ષી થાય છે. "મેલેનોસીફેલસ" એ ગ્રીક શબ્દ છે જે મેલેનોસીફેલા કે મેલેનોસીફેલમ પરથી આવ્યો છે, જેનો અર્થ કાળું માથું એવો થાય છે.

માહિતી : નિસર્ગ સેતુ

ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ

જામનગરના ઠેબા ગામે આવેલ શ્રી કે.જે. શાહ હાઇસ્કૂલ ખાતે મોટી હવેલી જામનગરના પૂ.ગોસ્વામી વલ્લભરાયજી મહારાજની અધ્યક્ષતામાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ તથા વર્ષ ૨૦૧૭-૧૮માં તેજસ્વીતા દાખવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવેલ. સમયે સંસ્થાના માનદ મંત્રી હરિભાઈ કારસરિયા, આચાર્ય આર.ટી. કાછડિયા, પૂર્વ આચાર્ય સી.પી. વસોયા, શાળા સંચાલક મંડળના સદસ્યો કિશોરભાઈ સંઘાણી, નંદલાલભાઈ પ્રાગડા તથા અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. તેમજ સંસ્થાના ટ્રસ્ટી નંદલાલભાઈ દ્વારા ધો.૧૦માં શાળામાં થી નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ૫૦૦૦, ૩૦૦૦ અને ૨૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. પૂ.ગોસ્વામી વલ્લભરાયજી મહારાજે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવેલ કે મિત્ર અને મંત્ર પર વિશ્વાસ રાખી સંઘર્ષ અને સખત મહેનત દ્વારા જીવનમાં આગળ વધવું તેમજ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે આત્મીયતાનો ભાવ કેળવી સારા નાગરિક બનવું તથા આગામી ધો.૧૦ની પરીક્ષામાં સારા ગુણ મેળવી શાળા, ગામ તથા પરિવારનું નામ રોશન કરવા શુભ આશિષ આપેલ. કાર્યક્રમ પ્રારંભે સ્વાગત ગીત લીનાબા જાડેજા તથા કેર આરતીબાએ રજુ કરેલ. સંચાલન ભૂમિબેન પીઠડીયાએ તથા આભારદર્શન શાળાના શિક્ષિકા ડી.ટી. પરમારે કરેલ. સંઘાણી નેન્સી તથા નંદનાબેન મકવાણાએ શાળાના સંસ્મરણો રજુ કરેલ.
ફોટોગ્રાફી : વિશ્વાસ ઠક્કર