Republic Day - 2019

13 June 2018

કાણી બગલી / Pond Heron

કાણી બગલી – Pond Heron (Ardeola)

કાણી બગલી તમને તળાવ ની આસપાસ મળી જ જાય. આખા વર્ષ દરમ્યાન રંગ રૂપ બદલતા પક્ષીઓ માનું એક છે આપણી કાણી બગલી. સાઈઝ તેની ઢોર બગલા થી સહેજ નાની. સામાન્ય દિવસો માં કાણી બગલી માં ઉપર નો ભાગ સહેજ કથ્થાઈ રંગ નો અને માથા તેમજ ગળા થી લઈને પેટ સુધી નો ભાગ કથ્થાઈ અને બ્રાઉન રંગની પટ્ટીઓ વાળો. લાંબી ચાંચ. પણ જયારે તેમની બ્રીડીંગ સીઝન હોય ત્યારે રૂપરંગ આખા બદલાઈ જાય. ઉપર નો ભાગ ઘાટો કથ્થાઈ બને જયારે બાકી નો ભાગ સહેજ બ્રાઉન પડતો સફેદ થઇ જાય. માથા પર લાંબી સફેદ ચોટલી પણ જોવા મળે. નર-માદા બંને દેખાવે સરખા લાગે બંને વખતે.
બધેજ જ્યાં પાણી હોય ત્યાં તેની હાજરી વર્તાય. પાણીની ઉપર ડાળખી ઉપર કે કોઈ પથ્થર ઉપર શૂન્ય મનસ્ક થઈને સહેજ પણ હલ્યા વગર બેસી રહે, લાગે કે જાણે કોઈ મૂર્તિ છે. અને જેવી કોઈ માછલી કે અન્ય જીવ પાણી માંથી સહેજ ઉપર આવે કે તરત જ ચાંચ પાણી માં ડૂબાડી શિકાર પકડે. તેને આ રીતે શિકાર કરતા જોવી એ લ્હાવો છે. ખોરાક માં માછલી, દેડકા, કરચલા અને પાણી નાં અન્ય જીવ-જંતુ ઓ ખાય. ઘણું મળતાવડુ પક્ષી છે, જો હેરાન કરવા માં નાં આવે તો એકદમ નજીક થી તેને નિહાળી શકો. ગામડા માં તળાવ કે કુવાના નાં કાંઠે કપડા ધોતી સ્ત્રીઓ નું દ્રશ્ય તમે જુઓ તો તેમની ઘણી નજીક કાણી બગલી જોવા મળી જાય. જયારે ખતરો લાગે ત્યારે કાણી બગલી ડોક ઉંચી કરી પાંખો ફેલાવી સામનો કરે. સાંજે કોઈ વૃક્ષ પર મોટી સંખ્યા માં ભેગા થાય.
કાણી બગલી ની બ્રીડીંગ સીઝન મે થી સપ્ટેમ્બર સુધી ની ગણાય, પરંતુ દક્ષિણ ભારત માં તેમની બ્રીડીંગ સીઝન નવેમ્બર થી જાન્યુઆરી ની નોંધાઈ છે. વૃક્ષો પર કોલોની માં – સમૂહ માં માળા બનાવે, મોટે ભાગે નાના બગલા કે અન્ય બગલા ઓ ની સાથે માળા જોવા મળે. મોટેભાગે એક જ વૃક્ષ પર વરસો સુધી માળા બનાવે. એક વખત માં ૩-૫ ઈંડા મુકે.
(માહિતી : જગદીશ પંડ્યા )