Republic Day - 2019

13 February 2020

સારસ


સારસ બેલડી


સારસ એ આપણું પક્ષી છે, કારણ કે તે સૌથી વધારે ભારતમાં જોવા મળે છે. ભારત સિવાય તે ઓસ્ટ્રેલિયાના અમુક વિસ્તારમાં અમુક સમયે દેખા દે છે, તે પણ ભાગ્યે જ. અલબત્ત સારસ તેની લંબાઇના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે, કારણ કે માત્ર ભારતમાં વધારે જોવા મળતા આ પક્ષીને દુનિયાનું સૌથી લાંબુ પક્ષી ગણવામાં આવે છે. જીવ જગતમાં દરેક પક્ષી અને પ્રાણી પાસે કોઇ ને કોઇ વિશેષતા જોવા મળતી હોય છે. જે તેને બીજા પ્રાણી અને પક્ષી કરતાં અલગ પાડે છે. સારસમાં પણ એવી વિશેષતા છે, તો ચાલો જાણી લઇએ સારસ વિશેની રસપ્રદ વાતો
દેખાવે સારસ પ્રમાણમાં દુબળું શરીર, લાંબી પાંખો, લાંબી ડોક અને લાંબા પગ ધરાવતું પક્ષી છે. તેના શરીરનો રંગ ગ્રે અને સફેદ હોય છે. જોકે તેની ડોક તેમજ મોઢા ઉપર સિંદુરીયો લાલ કલર હોય છે.
સારસને દુનિયાનું સૌથી લાંબુ પક્ષી ગણવામાં આવે છે, જે ઊડી શકે છે, તેની લંબાઇ ૧.૮ મીટર મતલબ કે ૫ ફૂટ અગિયાર ઈંચ સુધીની હોય છે. જે કોઇ માણસની લંબાઇ જેટલું થાય છે. આટલી લંબાઇ ધરાવતું હોવા છતાં સારસ ઊડી શકે છે.
સારસ ઊડતી વેળાએ હંમેશાં તેની ગરદનને સીધી રાખીને ઊડતું હોય છે. તેની ગરદન લાંબી હોવા છતાં તે આ જ રીતે ઊડતું જોવા મળે છે.
નર સારસ કરતાં માદા સારસની લંબાઇ ઓછી હોય છે, માદા સારસની લંબાઇ ૫.૯ ઈંચ જેટલી થાય છે, જ્યારે નર ૫.૧૧ ઈંચ સુધી લાંબુ થઇ શકે છે. સારસનું વજન પાંચ કિલોથી લઇને દસ કિલો જેટલું હોય છે. જે બીજા મોટા કદવાળા પક્ષીઓ કરતાં ઓછું ગણવામાં આવે છે.
સારસ મોટેભાગે પાણીની આસપાસ જોવા મળતું પક્ષી છે. તે જે જગ્યાએ નદી કે તળાવ હોય ત્યાં જ રહેવાનું પસંદ કરે છે.
નદીમાંથી નાની માછલી, દેડકાં, કરચલા વગેરે તેનો મનપસંદ ખોરાક છે, તે સિવાય સારસ નાના અળસિયાં અને ઇયળ પણ ખાવાનું પસંદ કરે છે. ઘણા સારસ પાણીની આસપાસની વનસ્પતિ પણ ખાતા જોવા મળે છે.
સારસ સ્વભાવે શાંત પક્ષી છે. તે નદીની કે તળાવની આસપાસ ફરતું રહે છે અને પોતાની જાતિના બીજા સારસ સાથે જ જોવા મળતું હોય છે.
માહિતી સાભાર : Sandesh news

07 February 2020

દૈયડ

સંગીતકાર પક્ષી દૈયડ


આકારમાં દેવચકલી જેવું પણ કદમાં દોઢું, બુલબુલનાં કદનું આ પક્ષી મુંબઈમાં પણ ઘણી સોસાયટીઓ આજુબાજુનાં વૃક્ષોમાં જોવા મળે છે. નર શરીરે ચળકતા કાલા રંગનું, પાંખમાં સફેદ પટ્ટો અને પૂંછડીમાં વચ્ચે કાળા પીંછા અને બંને બાજુ સફેદ પીંછા ધરાવે છે. પેટાળ સફેદ હોય છે. દેવચકલીની જેમ પૂંછ ઊંચી રાખે છે અને ઊંચી નીચી કરે છે. તે સાથે ચગદીલની જેમ પૂંછનાં પીંછા પણ પંખાની જેમ પ્રસારે છે. માદામાં કાળા રંગની જગ્યાએ રાખોડી રંગ હોય છે. પેટાળ સફેદ હોય છે.
આ પક્ષીનું સંસ્કૃત નામ ભારત દધ્યક છે. હિંદીમાં ધૈયાલ, ધૈયાર છે. મરાઠીમાં ડોમિંગા છે. અંગ્રેજી નામ (oriental magpie-robin) છે. શાસ્ત્રીય નામ (Copsychus saularis) છે. આ પક્ષી ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકામાં લગભગ ૨૫૦૦ મીટરની ઊંચાઈ સુધી વસે છે. આ પક્ષી શાંત શરમાળ હોવાથી ખાસ નજરે પડતું નથી. સંવનન કાળ એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન નજરે પડે છે. જોકે ફેબ્રુઆરીથી તેની સંગીત મહેફિલ શરૂ થાય છે. વહેલી સવારથી વૃક્ષની ડાળ ઉપર બેઠક જમાવી સંગીતગાન શરૂ કરે છે અને આ વખતે સૌને તેનાં અસ્તિત્વની જાણ થાય છે. ચી-ઈ-ઈ-ઈ જેવી સીસોટીનો અવાજ કરે છે. ચપ-ચપ જેવો પણ અવાજ કરે છે. ખરો ઉન્માદ સંવનન કાળમાં હોય છે. ઉનાળો ઊતરતાં તેનો ઉન્માદ નરમ પડે છે અને વર્ષાઋતુમાં શાંત થઈ જાય છે. વનેચર આ પક્ષીને ભારતનું દ્વિતીય શ્રેષ્ઠ ગાયક પક્ષી ગણે છે. એપ્રિલના આરંભમાં માળો બાંધવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. વૃક્ષની બખોલમાં કે ભીંતનાં પોલાણમાં તણખલા, મૂળિયાં, ઘાસ, પીંછા વગેરે પાથરી રકાબી આકારનો માળો બનાવે છે. તેમાં ફિક્કા વાદળી-લીલાં કે લીલાશ પડતા આસમાની રંગનાં ઉપર તપખીરિયા રંગની છાંટવાળા ૩-૪ ઈંડાં મૂકે છે. માદા ઈંડાંને સેવે છે. નર બીજી જવાબદારી સંભાળે છે.
માહિતી સાભાર - ડો. અશોક એસ. કોઠારી

બપૈયો


બપૈયો (Common hawk cuckoo)


વર્ષા ઋતુના આગમન અરસામાં બપૈયાનું ગળું ખુલે. પ...પીહા પ...પીહા એમ ચડતા સ્વરે પાંચ-સાત બોલ કાઢે. પછી અચાનક અટકે. વાળી, થોડીવારે ફરી શરૂ કરે. આમ, તેની ગાનધારા મેઘધારાની માફક આખું ચોમાસું ચાલે. શરૂ શરૂમાં ઓછું બોલે. જેમ જેમ ચોમાસું વધતું જાય તેમ તેમ તેનું ગાન જામતું જાય. દિવસ અને રાત ગાયા જ કરે. અંગ્રેજ પક્ષી વિશારદોએ બપૈયાના અવાજને કંટાળાજનક કહીને તેને ખૂબ ભાંડ્યો છે. તેમેણે “ભેજખાઉ પંખી” (બ્રેઈન ફીવર બર્ડ) એવું બીજું નામ આપીને વાગોવણીની હદ કરી નાખી છે. આપણું લોક સાહિત્ય જુઓ. શિષ્ટ સાહિત્ય વાંચો. તે બંનેમાં કવિઓએ તેને બહુ લડાવ્યાં છે. કોયલ અને બપૈયાના ગાનને કંટાળાજનક કહેનાર એક પણ ભારતીય કવિ, લેખક કે સાહિત્યકાર નહિ નીકળે.
ઘટાદાર વૃક્ષોમાં રહેનાર પંખી છે. અંદરની કોઈ ડાળે બેસે. તેનો રંગ એવો છે કે પાંદડાની છાયામાં ભળી જાય. એક સ્થળે બેસીને બોલ્યા કરે. બહુ હર ફરની ટેવ નહિ. આથી જલદી નજરે ન ચડે. સ્વભાવે શરમાળ. અવાજ ઉપરથી શોધતાં શોધતાં તમે તે વૃક્ષની નજીક માંડ પહોંચ્યા હો ત્યાં ઉડીને થોડે દૂર બીજાં ઘટાદાર ઝાડમાં જતો રહે. આમ, સંતાકુકડી ચાલે. કલાકોની રખડપટ્ટી પછી પણ બપૈયાની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર ન થાય. તમારી ધીરજની કસોટી કરે. ક્યારેક વાળી એવું બને કે તેની અલપઝલપ ઝાંખી થાય ન થાય અને તે ભાગી નીકળે. પંખી પ્રેમી તેથી નિરાશ ન થાય. ઉલટું બપૈયાને શોધવાની તેને વધારે ચાનક ચડે. અંતે બપૈયો સરખી રીતે જોવા મળી જાય ત્યારે થતા આનંદની શી વાત કરવી ?  દુનિયાડાહ્યા માણસને આવી રખડપટ્ટી કરનારો ચક્રમ લાગે. ખરો પંખીપ્રેમી હોય તેને જ આ આનંદ સમજાય.
પક્ષી નિરીક્ષકોને ગાંડા કરનાર બપૈયો છે કેવો ? આકૃતિએ નમણો પણ રંગે આકર્ષક નહિ. ઉપરથી રાખોડી. છાતી રાખોડી. લાંબી પૂંછડીમાં ચાર-પાંચ આડા પટા બદામી. પેટાળ મેલું ધોળું અને બદામી પટાવાળું. ચાંચ લાલાશપડતી અને પાતળી. પગ પીળા. ચોમાસા સિવાયની રૂતુમાં મુખ્યત્વે શાંત. બાળ ઉછેરનું કામ લેલાં પાસે કરાવે. નર-માદા સરખાં. ખોરાકમાં ફળો, જીવડાં અને ઈયળ. ઝાડમાંથી ખોરાક શોધી લે. જમીન ઉપર ભાગ્યે જ આવે.
  માહિતી સાભાર : લાલસિંહ રાઓલ  

05 February 2020

કંસારો

ટુકટુક તરીકે ઓળખાતું પક્ષીઃ કંસારો
 
અંગ્રેજીમાં જેને કોપરસ્મિથ બાર્બેટ કહેવામાં આવે છે જ્યારે ગુજરાતીમાં કંસારો તરીકે ઓળખવામાં આવે છે એ પક્ષીનું ત્રીજું નામ ટુકટુક પણ છે. કંસારો તેના આગવા નામ ટુકટુકના કારણે તો જાણીતો છે જ સાથે સાથે તેના દેખાવને કારણે પણ ખૂબ જાણીતો છે. આ પક્ષી નાનું અને મીઠડું છે, નાના બાળકોને જોઇને જ ગમી જાય એવા કંસારા વિશે આજે વિગતે વાત કરીએ.
કંસારો ભારતીય મૂળ ધરાવતું પક્ષી છે, તે ભરતીય ઉપમહાદ્વીપમાં વધારે જોવા મળે છે.
આ પક્ષી તેના દેખાવને કારણે ખાસ જાણીતું છે, તે નાનું છે છતાં સુંદર છે, તેના માથે લાલ કલરની નાની ચમકતી કલગી છે, અને આ જ કલગી તેની ઓળખ બની ગઇ છે.
આ પક્ષીનું કંસારો નામ તેના ગળામાંથી આવતા ટુકટુક અવાજના કારણે પડયું છે, તે પોતાના ગળામાંથી જે પ્રકારનો ટુકટુક અવાજ કરે છે તે જાણે વાસણ ઉપર હથોડી ટીપવાનો અવાજ હોય તેવું લાગે છે, જેથી તેને કંસારો તરીકે ઓળખવામાં આવે છે. અને ગળામાંથી નીકળતા ટુકટુકના અવાજના કારણે જ તેને ટુકટુક પક્ષીના નામે પણ ઓળખવામાં આવે છે. આમ આ પક્ષીનું નામ તેના અવાજને કારણે પડયું છે.
ટુકટુક સ્વભાવે શાંત પક્ષી છે, તે માનવ વસ્તી વાળી જગ્યાએ ભાગ્યે જ જોવા મળતું હોય છે. તે શાંત જગ્યાએ રહેવાનું વધારે પસંદ કરે છે, તેથી જ ઓછી વસતી ધરાવતા બગીચામાં, ગાઢ જંગલોમાં અને વધારે વૃક્ષો ધરાવતા વિસ્તારમાં વધારે જોવા મળે છે.
ટુકટુકનું પ્રિય ભોજન ફળફળાદી અને વંદા છે, તે વડના ટેટા, પીપળાના પાન અને ફળ, અંજીર અને અન્ય ફળો ખાવાનું પસંદ કરે છે, તે સિવાય વંદા પણ તેનો મનપસંદ ખોરાક છે, જેથી જે વિસ્તારમાં વંદાનો ત્રાસ વધારે હોય ત્યાં એકાદવાર ટુકટુક અવશ્ય જોવા મળી જતું હોય છે. નાના-નાના જીવજંતુઓમાં ટુકટુક ખાસ વંદાને જ ભોજન બનાવવાનું પસંદ કરે છે, તે ભાગ્યે જ ઇયળ કે બીજા નાના જીવ ખાતું હોય છે.
ટુકટુક દરરોજ પોતાના શરીરના વજન કરતાં દોઢથી ત્રણગણો ખોરાક ખાઇ શકે છે.
ટુકટુક ઝાડની બખોલમાં પોતાની ચાંચ વડે કોતરીને પોતાના રહેવા માટે નાની બખોલ બનાવી તેમાં રહે છે.
દેખાવે ટુકટુક સુંદર છે, તેના શરીર ઉપર ગ્રે અને પોપટી બંને કલરના પીંછા હોય છે, તેમજ તેની આંખે પીળા કલરનું ગોળ ટપકું છે, જ્યારે તેના માથે લાલ કલરની કલગી હોય છે. તેની ચાંચ નાની પણ અણીદાર હોય છે. નર ટુકટુક માદાને આકર્ષિત કરવા સુંદર અવાજ કરતા હોય છે. એક સમયે ટુકટુક ત્રણથી ચાર ઈંડાં મૂકે છે.
માહિતી સાભાર : sandesh.com

02 February 2020

નીલ જલમુરઘો


નીલ જલમુરઘો  (Grey Headed Swamphen)



સંતાકુકડીઓના કુળનાં પંખીઓમાં નીલ જલમુરઘાને વધારે બોલકણો કહી શકાય. જાત જાતના કર્કશ અવાજ કરે. મોટે ભાગે પાન/ચીયા અને પાણીમાંની વનસ્પતિમાં રહે અને તેમાં રહીને બોલ્યા કરે. પોતાના કુળની ખાસિયત મુજબ હરતાં ફરતાં ટૂંકી પૂંછડી ઉંચી નીચી કાર્ય કરે. અનુકૂળ જળાશયોમાં સારી સંખ્યામાં હોય, પણ ખુલ્લા પાણીવાળા ભાગમાં બહુ નીકળતા ન હોવાથી સંખ્યા તેટલી દેખાય નહીં. તરવામાં કુશળ ખરા, પણ ભાગ્યે જ તરતાં જોવા મળે. સંતાકુકડીઓના અને જલમુરઘાના પ્રમાણમાં ઓછો શરમાળ. આપણું નિવાસી પંખી, પણ ચોમાસા બાદ ઉત્તર પ્રદેશમાંથી બીજાં આવે છે તે વખતે સંખ્યા વધારે થાય. પાણીમાં ઊગેલ ગીચ ચીયા/પાન તથા અન્ય વનસ્પતિમાં ચોમાસામાં ઘાસના માળા કરે.
અનાજ, પાણીની વનસ્પતિનાં બીજ, તેમની ઇયળો અને જીવાત એ તેમનો ખોરાક.
રંગે ભભકદાર પણ આકૃતિએ સુંદર નહીં. આખું શરીર જાંબલી ઝાંયવાળા વાદળી રંગનું. પૂંછડી નીચેનો ભાગ  સફેદ. ચાંચ મોટી અને લાલ. આંગળીઓ લાંબી. તેને લીધે ગીચ તરતી વનસ્પતિ ઉપર પણ ચાલી શકે. નર-માદા સરખાં. પાણી કાંઠાની વનસ્પતિ બહાર નીકળે એટલે તરત તેનાં તરફ નજર જાય એવો આકર્ષક રંગ. એકંદરે ઠીક ઠીક સુલભ પંખી.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ