Republic Day - 2019

24 April 2020

પાન ફડકફૂત્કી


Plain prinia/Plain wren-warbler (પાન ફડકફૂત્કી):

ઉપરના ભાગે રેતીયો બદામી રંગ. આંખ અને ચાંચ વચ્ચેનો ભાગ, નેણ અને કર્ણ પ્રદેશ આછાં પીળચટા. પેટાળ પીળચટુ. પૂંછડી લાંબી અને ચડઉતર પીંછાંવાળી. પાતળિયા શરીરવાળું નાજુક પંખી. નર-માદા સરખાં.
કાંટાળા છોડઝાંખરાં, ઘાસ, ખેતરોમાં ઊગેલો મોલ અને અન્ય નાની વનસ્પતિવાળા સ્થળોએ બે-પાંચની સંખ્યામાં ફરતી હોય.
ચોમાસામાં જુનથી ઓક્ટોબર દરમ્યાન પ્રજનન કરે. છોડ ઝાંખરાં કે જુવાર, બાજરીના ખેતરોમાં ઘાસથી અંડાકાર માળા બનાવે.
સ્થાયી નિવાસી. વ્યાપક.
 માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

16 April 2020

મોટું લેલું


Large Grey Babbler : મોટું લેલું 

આપણા ખૂબ વ્યાપક પંખીઓમાં લેલાનું સ્થાન આવે. લેલાનાં કુળની એક ખાસિયત એ કે તે હંમેશા સમુહમાં હરેફરે.પાંચ-સાતથી દાસ-બારના જૂથમાં દેખાય. આને લીધે હિન્દીમાં તેને સાતભાઈ/સાતબેન એવું નામ મળ્યું છે. બીજી તેની વિશેષતા છે બોલબોલ કરવાની. પાંચ મિનીટ સાવ મૂંગું રહે એવું ઓછું બને. તેં.....તેં.....તેં... કે લે...લે.....લે...એમ બોલ્યા કરે. એકી સાથે પાંચ-સાત કે વધારે બોલવા માંડે એટલે સાંભળનાર કંટાળી જાય. ફળ, બીજ અને જીવાત તેમનો ખોરાક. તે માટે વાડ, ઝાંખરા અને જમીન ઉપર ચકલીની જેમ બંને પગ ઠેકતાં ફરે. ખરી પડેલ પાંદડાં અને ઘાસ વગેરેનો જમીન ઉપર પડેલ કચરો ઉથલાવીને જીવડાં શોધે. ચરતાં-ફરતાં એકબીજાના સંપર્કમાં રહેવા માટે ધીમે ધીમે બોલતાં રહે. કાબરની માફક લેલાં પણ પક્ષીજગતના ચોકીદાર છે. સાપ, નોળિયો, બિલાડી કે શિકારી પંખી, કોઈ એકાદ નજરે ચડ્યું એટલે ખલાસ. તરત તેં....તેં....તેં  કરીને બીજાં બધાને ચેતવે. પછી સાથે મળી એવો દેકારો મચાવે કે પેલાએ મેદાન છોડી ભાગી નીકળવું પડે કે સંતાઈ જવું પડે. સંપીલા બહુ. એક ઉપર હુમલો થાય એટલે આખું ટોળું હુમલાખોર ઉપર તૂટી પડે.  એમાં પોતાના જાનની પણ પરવા ન કરે.
ઊડવામાં નબળા. પાંખો ટૂંકી. તે ઝડપભેર વીંઝીને ઉડે. થોડીવાર પાંખ બંધ કરી હવામાં તરતાં જાય. વાળી પાંખ વીંઝે. આવી તેની ઉડવાની રીત. શક્ય હોય ત્યાં સુધી ચાલીને ભાગી નીકળવાનું પસંદ કરે. નાછૂટકે ઉડે અને તેય લંબે સુધી નહિ. થોડું ઉડી ઝાડ, છોડ કે જમીન ઉપર બેસી જાય. ચારાની શોધમાં ઝાડી ઝાંખરામાં ફરતાં રહે. એક ઝાડથી બીજે ઝાડ જાય ત્યારે જુથમાં સાથે ન ઉડે. એકની પાછળ બીજું એમ ઉડીને સ્થાનફેર કરે. લેલામાં નર માદા સરખાં. ઉપરના ભાગે રાખોડી ઝાંયવાળો મેલો બદામી રંગ. ચાંચ ઉપર કપાળનો ભાગ રાખોડી. લેલાને ઓળખવાની આ અગત્યની નિશાની છે. પેટાળ પીળાશ પડતું.  ગળા અને છાતી ઉપર ગુલાબીની સહેજ અસર. પૂંછડી થોડી લાંબી અને ઢીલી. આંખ પીળી. પગ પીળાશ પડતા. પૂંછડીની બંને તરફના છેડેના પીંછાં મેલા ધોળાં. ઉડે ત્યારે તે દેખાય.
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ 

08 April 2020

પચનક લટોરો

Bay-backed shrike : પચનક લટોરો
 
બે બેક્ડ શ્રાઈક (Bay-backed shrike) લટોરાઓમાં સૌથી નાનું, બુલબુલ જેવડું પક્ષી છે. છેડેથી આંકડાવાળી કાળી ચાંચ, રાખોડી-રૂપેરી માથું, કપાળથી આંખો સુધી અને પાછળ જતો પહોળો કાળો પટ્ટો, લાલાશ પડતી છીંકણી રંગની પીઠ વગેરે ખાસ નિશાનીઓ છે. પેટાળ સફેદ હોય છે. પૂંછ સફેદ-કાળા રંગની ચડ ઊતર પીંછા વાળી હોય છે. કેડ સફેદ હોય છે. વન વગડા બાવળનાં જંગલોમાં રહે છે. પાકિસ્તાન અને ભારતભરમાં રહે છે. ઇશાન ભારતમાં ભાગ્યેજ દેખા દે છે. બંગલાદેશ, મ્યાનમાર અને શ્રીલંકામાં પણ વસતા નથી. ગાઢ જંગલો અને રણ પ્રદેશથી દૂર રહે છે. નર-માદા દેખાવે સરખાં હોય છે. ડાળી કે વાડ ઉપર એકલું પક્ષી બેસેલું જોવામાં આવે છે.
મીઠા અવાજે સંગીત પીરસે છે. બીજા પક્ષીઓનાં અવાજની નકલ પણ કરે છે. વિજય ગુપ્ત મૌર્ય લખે છે કે, ‘પચનક લટોરાનાં પાંચ રંગની સજાવટ તમે નજરે જાુઓ, તેની ઘાંટીલી નાની કાયા જાુઓ અને તેની સોહામણી રીતભાત અને લટુડા પટુડા કરતી મીઠી બોલી સાંભળો તો તમને એ પંખી પાળવાનું મન થઇ જાય એવું લોભામણું છે.’
પ્રજનનકાળ એપ્રિલથી સપ્ટેમ્બર (ખાસ જૂન-જુલાઈ) છે. ઘાસ, રૂ, પીંછા વગેરેનો પ્યાલા જેવો માળો બનાવી તેમાં દૂધિયા લટોરા જેવાં પણ કદમાં નાના ઇંડા મૂકે છે.
માહિતી સાભાર  -ડૉ. અશોક એસ. કોઠારી

07 April 2020

ગુલાબ

ફૂલોના રાજા 'ગુલાબ'






વિશ્વમાં સર્વે પુષ્પો માં ગુલાબ મોખરાનું સ્થાતન ધરાવે છે. તેના રંગ તથા સુગંધના કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. સૌંદર્ય ઉપરાંત ગુલાબના ફુલ આર્થિક રીતે તથા ધાર્મિક રીતે પણ ઘણુ મહત્વેનું છે. વર્ષોથી કળા તથા સંસ્કૃરતિમાં પોતાનું આગવુ સ્થાેન ધરાવે છે. આ બધા કારણોસર ગુલાબને "ફુલોના રાજા " નું બીરૂદ મળેલ છે.
ગુલાબ એે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજાપાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેરો બનાવવા, કલગી / બુકે વગેરે બનાવવા માટે થાય છે ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબ જળ, ગુલકંદ વગેરે બનાવી શકાય છે
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓમાં લગભગ ૪૦૩૭ હેકટર જેટલા વિસ્તારમાં દેશી ગુલાબની ખેતી વ્યાપારિક ધોરણે થાય છે જેનું અંદાજીત ઉત્પાદન ૩૬૭૪૫ મે.ટન જેટલું છે.

03 April 2020

બદામી માખીમાર


Asian Brown Flycatcher : બદામી માખીમાર 

આ માખીમાર દેખાવે સાવ સાદો. સહેજ રાખોડી ઝલકવાળો બદામી રંગ તેનાં ઉપરના શરીરનો છે. આંખ ફરતું ધોળું વલય. ગળું ધોળું. બાકીનું પેટાળ મેલું ધોળું કે આછું બદામી. નર-માદા સરખાં. ઝાડની નીચલી ડાળીઓમાં બેઠો હોય ત્યારે સફેદ ગળાથી નજરે ચડે. બાકી તેની હાજરીનો ખ્યાલ એકદમ ન આવે.
આપણા બધા માંખીમારોમાં તે બહુ ઓછો આવે છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કવચિત દેખાય. તેનું મુખ્ય વતન પૂર્વ સાઈબીરીયા. ભારતમાં પશ્ચિમ હિમાલય, મધ્ય પ્રદેશમાં વિંધ્યાચલનો થોડો વિસ્તાર તથા પશ્ચિમ ઘાટનો થોડોક ભાગ એ તેનાં વતન ગણાય.
સ્થાયી નીવાસીનો સંદર્ભ નથી. અવ્યાપક.  
માહિતી સાભાર : લાલસિંહ રાઓલ